આ વર્ષે ભવનાથ મંદિર પર ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રી મેળાનો વિધિવત પ્રારંભ થયો છે. પાંચ દિવસ યોજાતા આ અલૌકિક મેળામાં આવતા શ્રદ્ધાળુઓને કોઈ પણ અગવડ ન પડે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા વિવિધ સુવિધાઓ સાથે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
આ વર્ષે પ્રથમવાર ભવ્ય 'ડમરુ યાત્રા'નું આયોજન કરાયું છે
જૂનાગઢના સુપ્રસિદ્ધ મહાશિવરાત્રી મેળાના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસાને દીપાવવા માટે આ વર્ષે પ્રથમવાર ભવ્ય 'ડમરુ યાત્રા'નું આયોજન કરાયું છે જેમાં, નાયબ મુખ્યમંત્રી પણ સહભાગી થશે. ઇતિહાસમાં પ્રથમવાર સર્વ સમાજની દીકરીઓ કળશ ધારણ કરી સંતોનું સ્વાગત કરશે. આ ભવ્ય ડમરુ યાત્રા મેળાના પ્રથમ દિવસે, એટલે કે ૧૧મી ફેબ્રુઆરીના રોજ સાંજે ૭:૦૦ કલાકે ભવનાથ પ્રવેશ દ્વારથી શરૂ થઈ ભવનાથ મંદિર સુધીના અંદાજિત ૪૦૦ મીટરના માર્ગ પર ભક્તિમય માહોલમાં નીકળશે. યાત્રાના સમાપન બાદ ભવનાથ મંદિર ખાતે ભવ્ય મહાઆરતીનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ્સ અને સામાન રાખવા માટે સુવિધા
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા યાત્રિકોના રાત્રિ રોકાણને આરામદાયક બનાવવા માટે ૮૦૦-૮૫૦ ભાવિકોની ક્ષમતાં ધરાવતો વિશાળ જર્મન ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. ભાવિકો માટે ૨,૦૦૦ ચો.મી.માં ફેલાયેલા આ ડોમમાં ૭૦૦ પલંગ અને ૧૫૦ ફ્લોર બેડિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે તેમને ૨૪*૭ હાઉસકીપિંગ, મેડિકલ સહાય, મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ્સ અને સામાન રાખવા માટે અલગ લગેજ રેક જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.









