કામાક્ષીએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને પોતાની આપવીતી જણાવી; ઘટનાને કારણે આખો દિવસ અસહજતા અનુભવાઈ, અન્ય લોકોએ પણ પોતાના કથિત ભેદભાવના અનુભવો શેર કર્યા.

બ્રિટનની ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી ભારતીય વિદ્યાર્થિની કામાક્ષી સાથે એક સ્ટોરમાં બનેલી ઘટનાએ તેમને માનસિક રીતે પરેશાન કરી દીધાં હતાં. કામાક્ષીના જણાવ્યા અનુસાર, તેઓ એક સ્ટોરમાં ખરીદી કરી રહ્યાં હતાં ત્યારે એક મહિલા સતત તેમની આસપાસ ફરતી હતી.

થોડા સમય બાદ તે મહિલા તેમની પાસે આવી અને કહ્યું, “હું આવું કહેવા માગતી નહોતી, પરંતુ મારે કહેવું પડશે... તારામાંથી ખૂબ જ દુર્ગંધ આવે છે.”

સ્ટોરમાં મહિલાએ અચાનક કરી અપમાનજનક ટિપ્પણી

કામાક્ષીએ 21 નવેમ્બરે Instagram પર વીડિયો શેર કરીને આ સમગ્ર અનુભવ જણાવ્યો હતો. તેમણે કહ્યું કે શરૂઆતમાં તેમને સમજાતું નહોતું કે મહિલા વારંવાર તેમની આસપાસ શા માટે ફરી રહી છે. જોકે, તેમણે તે સમયે મહિલાને કંઈ કહ્યું નહોતું.

ત્યારબાદ મહિલા અચાનક તેમની પાસે આવી અને તેમના શરીરની દુર્ગંધ અંગે ટિપ્પણી કરી હતી. કામાક્ષીએ જણાવ્યું કે મહિલાની વાત સાંભળીને તેઓ સ્તબ્ધ થઈ ગયાં હતાં. ટિપ્પણી કર્યા બાદ મહિલા તરત જ ત્યાંથી ચાલી ગઈ હતી અને કામાક્ષીને જવાબ આપવાની તક પણ મળી નહોતી.

https://www.instagram.com/reel/DgAlxm3RXYd/?utm_source=ig_web_copy_link&hvrq=MzRlODBiNWFlZA==&avpt=MzRlODBiNWFlZA==

આખો દિવસ પોતાને લઈને અસહજતા અનુભવાઈ

કામાક્ષીના જણાવ્યા અનુસાર, આ ઘટનાની અસર માત્ર તે ક્ષણ પૂરતી મર્યાદિત રહી નહોતી. તેઓ આખો દિવસ પોતાની હાજરીને લઈને અસહજ અનુભવતાં રહ્યાં હતાં. તેમને એવું લાગતું હતું કે જાણે તેઓ પોતાને નાનાં સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યાં હોય, જેથી કોઈનું ધ્યાન તેમના તરફ ન જાય.

‘પિતાનું મનપસંદ પરફ્યુમ લગાવ્યું હતું’

કામાક્ષીએ જણાવ્યું કે ઘટનાના દિવસે તેમણે પોતાના પિતાનું મનપસંદ પરફ્યુમ લગાવ્યું હતું. આ કારણે મહિલાની ટિપ્પણી સાંભળીને તેમને વધુ આશ્ચર્ય અને દુઃખ થયું હતું.

તેમણે આ અનુભવને બ્રિટનમાં અનુભવાયેલા માઇક્રોએગ્રેશન સાથે જોડ્યો હતો. તેમના મતે, સામાન્ય લાગતી આવી નાની ઘટનાઓ પણ વ્યક્તિ પર ઊંડી ભાવનાત્મક અસર કરી શકે છે.

જોકે, કામાક્ષીએ પોતાના વીડિયોના અંતમાં સકારાત્મક સંદેશ આપ્યો હતો. તેમણે ભારતમાં રહેતી પોતાની એક મિત્રની વાત યાદ કરી હતી કે, “આપણે દરરોજ લડીએ છીએ અને હારીએ છીએ, પરંતુ આ દુનિયાને થોડી વધુ પોતાની બનાવીએ છીએ.”

સોશિયલ મીડિયા પર અનેક લોકોએ આપ્યો ટેકો

કામાક્ષીની પોસ્ટ બાદ સોશિયલ મીડિયા પર અનેક લોકોએ તેમને ટેકો આપ્યો હતો. યુઝર્સે કહ્યું કે કોઈ અજાણી વ્યક્તિની અસંવેદનશીલ ટિપ્પણીને કારણે તેમણે પોતાના વિશે ખરાબ અનુભવવાની જરૂર નથી.

અન્ય લોકોએ પણ શેર કર્યા ભેદભાવના અનુભવો

પોસ્ટના કોમેન્ટ સેક્શનમાં ઘણા લોકોએ પોતાની સાથે બનેલી આવી જ ઘટનાઓ જણાવી હતી. એક યુઝરે કહ્યું કે બસમાં તેમની બાજુમાં બેઠેલી એક વૃદ્ધ શ્વેત મહિલાએ પોતાની બેગ એવી રીતે પકડી રાખી હતી, જાણે તેઓ તેને સ્પર્શ કરતાં જ ફોન ચોરી લેશે.

અન્ય એક યુઝરે જણાવ્યું કે લાઇબ્રેરીના દરવાજામાંથી અનેક લોકો પસાર થયા અને એલાર્મ વાગ્યો, પરંતુ તપાસ માટે માત્ર તેમને જ રોકવામાં આવ્યા હતા. એક અન્ય કોમેન્ટમાં ભારતીય ભોજન અને તેલ અંગે થતી ટિપ્પણીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. યુઝરે કહ્યું કે જે વસ્તુઓને 'દુર્ગંધવાળી' કહેવામાં આવે છે, એ જ પરંપરાગત તેલ અને ભારતીય જ્ઞાન તેમના માટે ખૂબ ઉપયોગી રહ્યાં છે.

આ પણ વાંચો:Netflix પર આવશે મહાઠગ સુકેશ ચંદ્રશેખરની કહાની! 200 કરોડના કૌભાંડથી બોલિવૂડ કનેક્શન સુધીનાં રહસ્યો ખુલશે