બ્રાઝિલના અમેઝોનનાં જંગલોમાં રહેતા આવેઆદિવાસી સમુદાયના આશરે 20 સભ્યો અચાનક જંગલમાંથી બહાર આવીને એક ગામ પાસે પહોંચ્યા હતા. બહારની દુનિયાથી દૂર રહીને જીવન જીવતા આ સમુદાયના લોકોનું આ રીતે બહાર આવવું અનેક સવાલો ઊભા કરી રહ્યું છે. જંગલો કાપવા, ગેરકાયદે ઘૂસણખોરી અને બીમારીઓનો ખતરો તેમના અસ્તિત્વ સામે મોટો પડકાર બની રહ્યો છે.

ગામના લોકો પાસેથી માગ્યું કંદમૂળ

આ ઘટના બ્રાઝિલના મારાન્યાંઓ રાજ્યની છે. ગામ પાસે પહોંચેલા સમુદાયના સભ્યોની સરકારી ટીમ સાથે પણ મુલાકાત થઈ હતી. ગામના લોકોએ તેમને ખાવા માટે ભોજન આપ્યું હતું. આદિવાસી જૂથે કંદમૂળ પાક યામ માગ્યો હતો અને તે લઈને ફરી જંગલમાં પરત ફર્યું હતું.

કોણ છે અવેઆદિવાસી સમુદાય?

આવે સમુદાય વિશ્વના સૌથી વધુ જોખમનો સામનો કરી રહેલા આદિવાસી સમુદાયોમાં સામેલ છે. તેના ઘણા સભ્યો આજે પણ શિકાર અને જંગલમાંથી ખોરાક એકત્ર કરવાની પરંપરાગત જીવનશૈલી પર આધારિત છે. જંગલ જ તેમના માટે ખોરાક, રહેઠાણ અને રોજિંદી જરૂરિયાતોનો મુખ્ય આધાર છે. આ સમુદાયે મુખ્યધારાના સમાજથી દૂર રહેવાનું પસંદ કર્યું છે. બહારના લોકો સાથે ક્યારે અને કેવી રીતે સંપર્ક કરવો તે તેઓ પોતે નક્કી કરે છે.

બાળકો અને વૃદ્ધોમાં કુપોષણની ચિંતા

મારાન્યાંઓના આદિવાસી સમુદાયોનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા કોઆપિમાના જણાવ્યા અનુસાર, જૂથના કેટલાક સભ્યો, ખાસ કરીને બાળકો અને વૃદ્ધો, ખૂબ કુપોષિત દેખાતા હતા. લાંબા સમયથી અલગ રહેતા હોવાથી તેમના શરીરમાં બહારની દુનિયામાં ફેલાતી બીમારીઓ સામે પૂરતી રોગપ્રતિકારક શક્તિ ન હોઈ શકે. સામાન્ય ચેપ પણ તેમના માટે જોખમી બની શકે છે. બ્રાઝિલની સરકારી આદિવાસી બાબતોની સંસ્થા ફુનાઈએ જણાવ્યું છે કે તેની ટીમો પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને સમુદાયના સ્વાસ્થ્ય અંગેની માહિતીની સમીક્ષા કરી રહી છે.


https://x.com/reporterenato/status/2122849354910253076?a=8jbg59jfxl3B81e9Ghw&s=20  


જંગલ પર અતિક્રમણથી અસ્તિત્વ સામે જોખમ

19મી સદીમાં યુરોપિયન લોકોના આગમન બાદ આવેઆદિવાસીઓની જમીન પર બહારના લોકોનો દખલ વધવા લાગ્યો હતો. આજે પણ ગેરકાયદે વૃક્ષકાપ, શિકાર અને પશુપાલન માટે જમીન પર કબજાની પ્રવૃત્તિઓ તેમના નિવાસસ્થાનોને નુકસાન પહોંચાડી રહી છે. જંગલોમાં લાગતી આગ, મોટા પાયે વૃક્ષકાપ અને આબોહવા પરિવર્તનથી પણ તેમની મુશ્કેલીઓ વધી છે. મારાન્યાંઓના અરારિબોઇઆ આદિવાસી વિસ્તારમાં ગુઆજાજારા સમુદાયના કેટલાક લોકોએ ગેરકાયદે ઘૂસણખોરી સામે લડવા માટે ‘ફોરેસ્ટ ગાર્ડિયન્સ’ નામના જૂથો બનાવ્યાં છે. આ સંઘર્ષમાં અનેક લોકોનાં મોત થયાના અહેવાલ પણ છે. અવે સમુદાય માટે જંગલનો દરેક નાનો વિસ્તાર મહત્ત્વનો છે. જંગલ ઘટે તો શિકાર માટેની જગ્યા, ખોરાક મેળવવાના વિકલ્પો અને સુરક્ષિત અવરજવરની તકો પણ ઘટે છે. 


આ પણ વાંચો :     Vadodara એરફોર્સ સ્ટેશન પર હુમલાનો ટાસ્ક મળ્યો હતો? આસામથી વડોદરા સુધી ATSની તપાસ