અમદાવાદમાં થયેલા ભારે વરસાદે મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રી-મોન્સૂન કામગીરીના પોકળ દાવાઓની પોલ ખોલી નાખી છે. ધોધમાર વરસાદને કારણે અમદાવાદ શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો સ્વિમિંગ પુલમાં ફેરવાઈ ગયા છે, જેના લીધે વાહનચાલકો તથા સ્થાનિક લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
AMC નો સ્ટાફ ગાયબ
"લોકો રોડ પર ત્રસ્ત અને નેતાઓ-અધિકારીઓ મસ્ત" જેવી સ્થિતિ વચ્ચે મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કંટ્રોલ રૂમમાં હાજર જોવા મળ્યા હતા, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર પરિસ્થિતિ સંભાળવા માટે AMC નો સ્ટાફ ગાયબ જણાતો હતો. આવી કપરી પરિસ્થિતિમાં અમદાવાદ પોલીસના જવાનો રોડ પર ઉતરીને લોકોને મદદ કરતા અને ટ્રાફિક હળવો કરાવતા નજરે પડ્યા હતા.
https://www.instagram.com/reel/DbIizgziiCA/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
બોપલમાં ખોડિયાર મંદિર તળાવની દીવાલ તૂટી, 3 ગાડીઓ પાણીમાં ફસાઈ
અમદાવાદમાં સતત પડી રહેલા ભારે વરસાદ વચ્ચે બોપલ-આમલી વિસ્તારમાંથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. બોપલ સ્થિત ખોડિયાર મંદિર તળાવ (આમલી ગામ તળાવ)ની દીવાલ અચાનક ધરાશાયી થતાં સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. તળાવની દીવાલ તૂટતા જ ધસમસતા પાણીના પ્રવાહને કારણે રસ્તા પર પાર્ક કરેલી 3 જેટલી ગાડીઓ પાણીના વહેણમાં ફસાઈ ગઈ હતી.

આ ઘટનાની જાણ થતાં જ મનપાના હોદ્દેદારો એક્શનમાં આવ્યા હતા. મેયર હિતેશ બારોટ અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના પદાધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પાણીના નિકાલ તેમજ પરિસ્થિતિ પર કાબૂ મેળવવા કવાયત હાથ ધરી હતી.
જોધપુરમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર ભૂવો પડ્યો
વરસાદી આફત વચ્ચે શહેરના જોધપુર વિસ્તારમાં પણ એક ગંભીર દુર્ઘટના ઘટી છે. જોધપુર ખાતે આવેલી 'ત્રીનય અનધ' કન્સ્ટ્રક્શન સાઇટ પર અચાનક માટી અને દીવાલ ધસી પડી હતી. બાંધકામ સાઇટ પર માટી ધસી જવાની સાથે જ ત્યાં લગાવેલો પતરાંનો શેડ પણ ઊંડા ખાડામાં ખાબક્યો હતો, જેના કારણે રોડ સાઇડના માર્ગને પણ ભારે નુકસાન પહોંચ્યું છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ જ સાઇટ પર અગાઉ પણ ભારે વરસાદ દરમિયાન રસ્તો ધસી જવાની ઘટના બની ચૂકી છે. આ ઘટનાને પગલે શહેરમાં ચાલતી કન્સ્ટ્રક્શન સાઇટો પર સુરક્ષા અને કામગીરીની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે.
આ પણ વાંચો - Live Ahmedabad Rain: અમદાવાદમાં અતિભારે વરસાદની આગાહી, 24 જુલાઈએ શાળા અને કોલેજો બંધ રાખવાનો નિર્ણય