અમરેલી જિલ્લામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં સાવરકુંડલા પંથકમાં પૂરની ભયાનક સ્થિતિ સર્જાઈ છે. ઉપરવાસમાં થયેલા મૂશળધાર વરસાદના કારણે સાવરકુંડલા તાલુકાનું જૂનાસાવર ગામ સંપૂર્ણપણે બેટમાં ફેરવાઈ ગયું છે. ગામની આસપાસથી પસાર થતી ત્રણ-ત્રણ નદીઓમાં એકસાથે ઘોડાપૂર આવતા ચારેય તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે, જેના કારણે સ્થાનિકોનો સંપર્ક અન્ય વિસ્તારો સાથે કપાઈ ગયો છે.
રંઘોળા સ્ટેટ હાઈવે અને ભાવનગર માર્ગ બંધ
નદીઓના ધસમસતા પ્રવાહના કારણે વાહનવ્યવહાર પર ભારે અસર પડી છે. જૂનાસાવરમાંથી પસાર થતો રંઘોળા સ્ટેટ હાઈવે પૂરના પાણી ફરી વળતા વાહનવ્યવહાર માટે સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત, ત્રણ નદીઓના પ્રચંડ જળપ્રવાહને લીધે જૂનાસાવરથી ભાવનગર જવાનો મુખ્ય માર્ગ પણ બંધ થઈ ગયો છે, જેને કારણે હાઈવે પર વાહનોના પૈડાં થંભી ગયા છે.

ધારાસભ્ય મહેશ કસવાળા ઘટના સ્થળે દોડ્યા
ગામ બેટમાં ફેરવાયું હોવાની અને માર્ગો બંધ થયાની માહિતી મળતા જ સાવરકુંડલાના સ્થાનિક ધારાસભ્ય મહેશ કસવાળા તાત્કાલિક એક્શન મોડમાં આવ્યા હતા અને જૂનાસાવર નજીક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેમણે પૂરની ગંભીર સ્થિતિની સમીક્ષા કરી હતી અને ગામની વિકટ પરિસ્થિતિ અંગે ઉચ્ચ અધિકારીઓને ટેલિફોનિક જાણ કરીને તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી શરૂ કરવા આદેશ આપ્યા હતા.
https://twitter.com/sandeshnews/status/2073762759544852594
જનતાને સાવચેત રહેવા ધારાસભ્યની અપીલ
ઘટના સ્થળેથી ધારાસભ્ય મહેશ કસવાળાએ 'સંદેશ' ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે પરિસ્થિતિની ગંભીરતા જણાવતા જાહેર જનતાને ભારે વરસાદ વચ્ચે પૂરના પાણીમાં કે નદી-નાળા નજીક ન જવા અને વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરી સંપૂર્ણ સાવચેતી રાખવા નમ્ર અપીલ કરી છે. હાલ વહીવટી તંત્ર પણ પરિસ્થિતિ પર સતત વોચ રાખી રહ્યું છે.
આ પણ વાંચો - Gujarat Rain Update: 97 તાલુકામાં ધમાકેદાર વરસાદ, જાણો કયા કેટલો વરસાદ?