આણંદ શહેર અને સમગ્ર જિલ્લામાં લાંબા સમયના અસહ્ય ઉકળાટ અને વિરામ બાદ આખરે મેઘરાજા મહેરબાન થયા છે. આણંદ પંથકમાં સાર્વત્રિક વરસાદનું આગમન થતાં સમગ્ર વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરી ગઈ છે. છેલ્લા ઘણા દિવસોથી ગરમીથી પરેશાન સ્થાનિક રહીશોને આ વરસાદી ઝાપટાંથી મોટી રાહત મળી છે, અને જનજીવનમાં નવીન તાજગીનો સંચાર થયો છે.
ધરૂવાડિયાને નવું જીવતદાન મળતા ધરતીપુત્રો ખુશખુશાલ
આ વરસાદ ગ્રામ્ય વિસ્તારો અને ખાસ કરીને કૃષિ ક્ષેત્ર માટે આશીર્વાદ સમાન સાબિત થયો છે. ખેતરોમાં તૈયાર થયેલા ધરૂવાડિયા પાણીના અભાવે સુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી હતી, ત્યારે જ બરાબર સમયે વરસેલા વરસાદે પાકને નવું જીવતદાન આપ્યું છે. વરસાદ પડતાં જ ખેડૂતોના ચહેરા પર ખુશીની લહેર દોડી ગઈ છે, અને તેઓ હોંશે-હોંશે ખેતીકામમાં વ્યસ્ત બન્યા છે.
પ્રી-મોન્સૂન પ્લાન કાગળ પર જ રહ્યો
એક તરફ જ્યાં પ્રકૃતિ ખીલી ઉઠી છે, તો બીજી તરફ શહેરી વિસ્તારોમાં વહીવટી તંત્રની પોલ ખુલ્લી પડી ગઈ છે. નગરપાલિકા અને સ્થાનિક પ્રશાસન દ્વારા ચોમાસા પહેલા લાખો રૂપિયાના ખર્ચે કરાયેલા પ્રી-મોન્સૂન પ્લાનની કામગીરીનો સદંતર ફિયાસ્કો થયો છે. સામાન્ય વરસાદમાં જ નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે શહેરી માર્ગો નદીઓ જેવા ભાસી રહ્યા છે, જેને પગલે તંત્ર સામે લોકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે.
https://twitter.com/sandeshnews/status/2077387178225860951
કરમસદ અને પેટલાદમાં જળબંબાકારની સ્થિતિ
વરસાદી પાણી ભરાવવાની સૌથી ગંભીર અસર કરમસદ અને પેટલાદમાં જોવા મળી છે. કરમસદના સુપ્રસિદ્ધ મૃત્યુંજય મહાદેવ મંદિર પાસે ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં દર્શનાર્થીઓ અને વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. જ્યારે પેટલાદમાં વ્યસ્ત એવા સ્ટેશન રોડ પર પણ તળાવ જેવા દ્રશ્યો સર્જાયા છે. નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો જળમગ્ન થઈ જતાં સ્થાનિક વેપારીઓ અને રાહદારીઓ તંત્રના અણઘડ આયોજન સામે ભારે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે.
આ પણ વાંચો - Anand : બોરસદમાં નશામાં ધૂત PI પી.પી. વસાવાનો હિટ એન્ડ રન કાંડ, બેફામ કાર હંકારી બે યુવકોને કચડ્યા