બનાસકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી અને આસપાસના દાંતા પંથકમાં અચાનક વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. છેલ્લા કેટલાય દિવસોથી સ્થાનિક લોકો અસહ્ય ગરમી, ઉકળાટ અને બફારાથી પરેશાન થઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને જોતજોતામાં મેઘરાજાએ પોતાની હાજરી પુરાવી હતી. વાતાવરણમાં આવેલા આ અચાનક બદલાવથી સમગ્ર પંથક ખુશખુશાલ થઈ ગયો છે.


પવન સાથે વરસાદ આવતા સર્જાઈ ઠંડક

આકાશમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે જોરદાર પવન ફૂંકાયો હતો અને તેની સાથે જ વરસાદની એન્ટ્રી થઈ હતી. અંબાજી અને દાંતા તાલુકાના અનેક ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો છે. પવનના સુસવાટા અને વરસાદી ઝાપટાંને કારણે વાતાવરણમાં મિશ્ર અહેસાસ વચ્ચે એકાએક ગુલાબી ઠંડક પ્રસરી ગઈ હતી, જેને કારણે લાંબા સમયથી ગરમીમાં શેકાતા લોકોને મોટી રાહત મળી છે.


ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ

ચોમાસાની ઋતુમાં વરસાદની કાગડોળે રાહ જોતા સ્થાનિક ખેડૂતો માટે આ વરસાદ અમૃત સમાન સાબિત થયો છે. અંબાજી અને દાંતા પંથકના પહાડી તેમજ અંતરિયાળ વિસ્તારોમાં વરસાદ પડતાં જ ધરતીપુત્રોના ચહેરા પર હરખની હેલી જોવા મળી રહી છે. આ વરસાદથી ખેતીના પાકને મોટો ફાયદો થશે, જેના કારણે ખેડૂતોમાં આગામી સીઝનને લઈને સારો આશાવાદ જાગ્યો છે.


આગામી કલાકોમાં વધુ વરસાદની શક્યતા

હવામાનમાં આવેલા આ પલટા બાદ સમગ્ર અંબાજી-દાંતા પંથકમાં હજુ પણ આકાશ કાળા વાદળોથી ઘેરાયેલું જોવા મળી રહ્યું છે. વાતાવરણની વર્તમાન સ્થિતિને જોતા હવામાન નિષ્ણાતો અને સ્થાનિક સૂત્રોના મતે આગામી કલાકોમાં આ પંથકમાં હજુ પણ વધુ વરસાદ ખાબકે તેવી પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે. હાલ તો આ પંથકના લોકો ગરમીને બાય-બાય કહીને ખુશનુમા વાતાવરણની મજા માણી રહ્યા છે.



આ પણ વાંચો - Banaskantha News: વાવ-થરાદ વચ્ચે નર્મદા મુખ્ય કેનાલમાંથી મળ્યો અજાણ્યા પુરુષનો મૃતદેહ



  • Follow us on: