ઉત્તર ગુજરાતમાં ચોમાસાની શરૂઆતમાં જ વરસાદ ખેંચાતા માલધારીઓ સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે.પાટણના સરહદી વિસ્તારના માલધારીઓ પોતાના પશુધનને લઈને વવ-થરાદ જિલ્લાના દિયોદરમાં આવેલા ગ્રામીણ વિસ્તારમાં પહોંચ્યા છે.પરંતુ ઘાસચારાની કટોકટી એટલી વિકટ બની છે કે વરસાદ ન પડવાથી સીમાડામાં ઘાસ ઊગ્યું જ નથી.જેથી દૂધાળા પશુઓને ભૂખ્યા રહેવાનો વારો આવ્યો છે.પાણીની અછત પણ વધી છે.તળાવો ખાલી હોવાથી પશુઓને બચાવવા માલધારીઓ પોતાના સામાન અને ગાયો-ભેંસોને લઈને સ્થળાંતર કરી રહ્યા છે.
પશુઓના ઘાસચારા પાછળ થતો વધારાનો ખર્ચ
માલધારીઓની એક જ આશા છે કે જલ્દી સારો વરસાદ પડે જેથી તેઓ પોતાના વતન પરત ફરી શકે.આ સ્થળાંતર માત્ર પશુઓ માટે જ નહીં પરંતુ માલધારી પરિવારો માટે પણ આર્થિક સંકટ બનીને આવ્યું છે.પશુઓના ઘાસચારા પાછળ થતો વધારાનો ખર્ચ અને દૂધના ઉત્પાદનમાં થયેલો નોંધપાત્ર ઘટાડો માલધારીઓની કમર તોડી રહ્યો છે.કમાણીનું મુખ્ય સાધન એવા પશુધનનું સ્વાસ્થ્ય જોખમાતા અને તેમને પૂરતો ખોરાક ન મળતા માલધારીઓ પોતાના પશુઓને સસ્તા ભાવે વેચવા કે અન્યત્ર મોકલવા મજબૂર બન્યા છે, જે તેમના માટે માનસિક અને આર્થિક રીતે અત્યંત વેદનાદાયક સ્થિતિ છે.













