બનાસકાંઠા જિલ્લામાં સરકારી યોજનાના લાભોમાં પક્ષપાત થતો હોવાના આક્ષેપ સાથે ખેડૂતોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. મગફળી બિયારણની ફ્રી કીટ વિતરણ યોજનામાંથી જિલ્લાના અમુક તાલુકાઓને બાકાત રાખવામાં આવતા સરહદી જિલ્લાના ખેડૂતોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે.
ખેડૂતો કલેક્ટર કચેરી પહોંચ્યા
આ ભેદભાવ સામે ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ મોટી સંખ્યામાં ખેડૂતો અને આગેવાનો પાલનપુર સ્થિત જિલ્લા કલેક્ટર કચેરીએ દોડી આવ્યા હતા, જેના પગલે કલેક્ટર કચેરી પરિસરમાં ભારે ગરમાવો આવી ગયો હતો.
માત્ર 3 તાલુકાના ખેડૂતોને જ પ્રાધાન્ય અપાયું
ખેડૂત સંગઠનોનો આક્ષેપ છે કે, સરકાર દ્વારા અપાતી મગફળી બિયારણની ફ્રી કીટ યોજનામાં જિલ્લાના માત્ર 3 તાલુકાના ખેડૂતોને જ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે અને અન્ય બાકીના તમામ તાલુકાઓને આ લાભથી વંચિત રાખી દેવાયા છે. રજીસ્ટ્રેશન કરાવવા છતાં પણ હજારો ધરતીપુત્રોને કીટ ન મળતાં ખેડૂતો ન્યાયની માંગ સાથે એકઠા થયા હતા. કિસાન સંઘના આગેવાનોએ જિલ્લા કલેક્ટરને રૂબરૂ મળીને લેખિતમાં આવેદનપત્ર પાઠવ્યું હતું.
પક્ષપાત વગર તાત્કાલિક ધોરણે આ ફ્રી કીટનો લાભ આપવામાં આવે
આવેદનપત્રમાં સ્પષ્ટ માંગ કરવામાં આવી છે કે, બનાસકાંઠા જિલ્લામાં મગફળી બિયારણ માટે ઓનલાઈન પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવનાર તમામ ખેડૂતોને કોઈપણ જાતના પક્ષપાત વગર તાત્કાલિક ધોરણે આ ફ્રી કીટનો લાભ આપવામાં આવે.
સરકાર સામે ઉગ્ર આંદોલન છેડવાની ચિમકી
ચોમાસાની ઋતુ બરાબર જામી રહી છે ત્યારે બિયારણ સમયસર મળવું ખેડૂતો માટે અત્યંત અનિવાર્ય છે. ખેડૂત નેતાઓએ કલેક્ટર સમક્ષ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં આ ન્યાયી માંગ સ્વીકારવામાં નહીં આવે, તો ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં સરકાર સામે ઉગ્ર આંદોલન છેડવામાં આવશે.
આ પણ વાંચો---- Venezuela Earthquake : ભયાનક ભૂકંપના 5 Video, આંખના પલકારામાં ગગનચુંબી ઇમારતો જમીનદોસ્ત, ચારેય તરફ માત્ર ચીસાચીસ