બનાસકાંઠા જિલ્લાના મુખ્યાલય પાલનપુરમાં હવામાન વિભાગની સાર્વત્રિક વરસાદની આગાહી વચ્ચે ધોધમાર વરસાદ વરસી પડ્યો છે. પાલનપુર શહેરમાં માત્ર 1.5 કલાકના ટૂંકા ગાળામાં 1.5 ઇંચ જેટલો ખાબકેલો વરસાદ સ્થાનિકો માટે આફતરૂપ સાબિત થયો છે. ટૂંકા સમયમાં પડેલા ભારે વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે.

પાલનપુર-અંબાજી હાઈવે પર ઘૂંટણસમા પાણી

વરસાદના કારણે સૌથી વધુ માઠું પરિણામ પાલનપુર-અંબાજી હાઈવે પર જોવા મળ્યું છે. હાઈવે પર અનેક જગ્યાએ ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં અંબાજીથી પાલનપુર તરફ આવતા અને જતા વાહનચાલકો રસ્તા વચ્ચે જ અટવાઈ પડ્યા હતા. મુખ્ય માર્ગો પર પાણી ભરાવાને કારણે વાહનવ્યવહાર અત્યંત ધીમો પડી ગયો હતો અને લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો.

Banaskantha Rain Update: 1.5 Inches Rain in Palanpur, Ambaji Highway Flooded

શાળાના બાળકો અને રાહદારીઓ આફતમાં મુકાયા

અચાનક ભરાયેલા વરસાદી પાણીના કારણે સવારના સમયે શાળાએ જતાં નાના-મોટા બાળકો અને પગપાળા જતાં રાહદારીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. પાણીનો યોગ્ય નિકાલ ન હોવાથી રસ્તો ઓળંગવો પણ જોખમી બન્યો હતો, જેના કારણે સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો છે.

Banaskantha Rain Update: 1.5 Inches Rain in Palanpur, Ambaji Highway Flooded

હાઈવે ઓથોરિટીની બેદરકારી સામે ઊઠ્યા સવાલો

હાઈવે પર સર્જાયેલી આ વિકટ પરિસ્થિતિ માટે સ્થાનિકો હાઈવે ઓથોરિટીની પ્રી-મોન્સૂન કામગીરી અને બેદરકારીને જવાબદાર ગણાવી રહ્યા છે. વરસાદી પાણીના નિકાલ માટે કોઈ યોગ્ય ડ્રેનેજ કે માર્ગ બનાવવામાં ન આવ્યો હોવાથી દર વર્ષે આવી જ સ્થિતિ સર્જાય છે. ચોમાસાની શરૂઆતમાં જ તંત્રની પોલ ખૂલી જતાં હાઈવે ઓથોરિટીની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.


આ પણ વાંચો - Banaskantha News: ધાનેરા-માલોત્રા ત્રણ રસ્તે 4 વાહનો અથડાયા, 1 નું મોત, 3 ગંભીર