ભાવનગર શહેરમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ દેખાડ્યું છે. માત્ર એક કલાકના ટૂંકા ગાળામાં ખાબકેલા દોઢ ઈંચ જેટલા ભારે વરસાદે સમગ્ર શહેરમાં ભારે મુશ્કેલીઓ સર્જી દીધી છે. વાવાઝોડા જેવા પવન સાથે આવેલા આ વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં નુકસાનીના અહેવાલો સામે આવ્યા છે.
વૃક્ષો અને વીજપોલ ધરાશાયી, ફોર વ્હીલરને નુકસાન
ભારે પવનના કારણે ભાવનગર શહેરના કાળિયાબીડ, અઢેવાડા અને સાગવાડી સહિતના વિસ્તારોમાં અનેક વૃક્ષો અને વીજપોલ જમીનદોસ્ત થઈ ગયા છે. વીજપોલ ધરાશાયી થવાને કારણે એક ફોર વ્હીલર તેની ઝપેટમાં આવી ગઈ હતી, જેથી ગાડીને ભારે નુકસાન પહોંચ્યું છે. આ ઉપરાંત, પવનના જોરના કારણે અનેક ઘરોના પતરા હવામાં ઉડીને સોસાયટીઓમાં પડ્યા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે.













