અલ-નીનો એક કુદરતી આબોહવા ઘટના છે, જેમાં પ્રશાંત મહાસાગરના પૂર્વ અને મધ્ય ભાગનું પાણી સામાન્ય કરતાં વધુ ગરમ થઈ જાય છે. તેની શરૂઆત પવનોમાં થતા ફેરફારથી થાય છે. સમુદ્રનું ગરમ પાણી બાષ્પીભવન વધારે છે અને તેની અસર વિશ્વભરના હવામાન પર પડે છે. આ વખતે અલ-નીનોની શરૂઆત લગભગ નવ મહિના પહેલા પશ્ચિમ પ્રશાંતમાં પવનોમાં આવેલા ફેરફારથી થઈ હતી. ત્યારબાદ તે ધીમે-ધીમે વધુ મજબૂત બન્યો અને હવે સુપર અલ-નીનોના સ્તર સુધી પહોંચ્યો છે.


રેકોર્ડનું વૈજ્ઞાનિક મહત્વ
નિનો 3.4 વિસ્તાર પ્રશાંત મહાસાગરનો એવો ભાગ છે, જ્યાંના તાપમાનના આધારે અલ-નીનોની તીવ્રતાનું મૂલ્યાંકન કરવામાં આવે છે. અહીં 3.05 ડિગ્રી સેલ્સિયસનું તાપમાન આધુનિક રેકોર્ડમાં સૌથી વધુ છે. આ તાપમાને 1982, 1997 અને 2015 જેવી મજબૂત અલ-નીનો ઘટનાઓને પણ પાછળ છોડી દીધી છે. કેટલાક આંકડાઓમાં તેની સરખામણી 1877ની ઐતિહાસિક ઘટનાથી પણ કરવામાં આવી રહી છે. તે સમયે મોટા પાયે દુષ્કાળ અને દુકાળની સ્થિતિ સર્જાઈ હતી. મોડલ્સ મુજબ આગામી સમયમાં માસિક સરેરાશ તાપમાન હજુ વધી શકે છે. કેટલાક અંદાજોમાં તેની ટોચ લગભગ 4 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતા દર્શાવવામાં આવી છે, જોકે હાલમાં આ અંગે ચોક્કસ કહી શકાય તેમ નથી.
આ રેકોર્ડ કેમ મહત્વનો છે?
અલ-નીનોનું મહત્વ એટલા માટે પણ વધી જાય છે કારણ કે તે ક્લાઇમેટ ચેન્જ સાથે મળીને તેની અસર વધારી શકે છે. દુનિયાનું તાપમાન પહેલેથી જ વધી રહ્યું છે અને સમુદ્રનું તાપમાન પણ ઊંચું છે. આવી સ્થિતિમાં અલ-નીનોની નવી ઘટનાઓ વધુ તીવ્ર બની શકે છે. વૈજ્ઞાનિકો દરરોજના તાપમાનના આંકડાઓ પર નજર રાખી રહ્યા છે, કારણ કે દૈનિક તાપમાનમાં સતત વધઘટ થતી રહે છે. અલ-નીનોની અસર અલગ-અલગ વિસ્તારોમાં અલગ જોવા મળે છે. અમેરિકામાં આ શિયાળામાં તેની અસર વધુ જોવા મળી શકે છે. ઉત્તરી વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ ગરમી અને પશ્ચિમ-મધ્ય વિસ્તારોમાં વધુ બરફવર્ષા થઈ શકે છે. દક્ષિણ અમેરિકાના પેરુ અને ચિલીમાં ભારે વરસાદ અને પૂર જેવી ઘટનાઓ પહેલેથી જ જોવા મળી રહી છે.

એશિયા અને અન્ય વિસ્તારોમાં અસર
મધ્ય અમેરિકા અને કેરેબિયન વિસ્તારમાં દુષ્કાળ વધવાની શક્યતા છે, જેના કારણે પાકને નુકસાન થઈ શકે છે. એશિયામાં ભારત સહિત કેટલાક દેશોમાં ચોમાસું નબળું પડી શકે છે. ઇન્ડોનેશિયામાં જંગલોમાં આગ અને ધુમાડાની સમસ્યા વધી શકે છે. ઓસ્ટ્રેલિયામાં પણ દુષ્કાળની સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. આફ્રિકાના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની પેટર્નમાં ફેરફાર થઈ શકે છે.
પૂર, દુષ્કાળ અને ગરમીનું જોખમ
એકંદરે અલ-નીનોને કારણે પૂર, દુષ્કાળ, હીટવેવ અને વાવાઝોડા જેવી હવામાનની ઘટનાઓનું જોખમ વધી શકે છે. કેટલાક વિસ્તારોમાં પહેલેથી જ તાપમાનના રેકોર્ડ અને વાવાઝોડાની ઘટનાઓ જોવા મળી રહી છે. વિશ્વભરની હવામાન એજન્સીઓ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે. રાષ્ટ્રીય હવામાન સેવાઓ દ્વારા ખેડૂતો, આપત્તિ વ્યવસ્થાપન ટીમો અને સામાન્ય લોકોને જરૂરી એલર્ટ આપવામાં આવી રહ્યા છે. આ સ્થિતિમાં પાણીનું સંરક્ષણ, પાકની યોજનામાં ફેરફાર અને ઈમરજન્સી તૈયારી મહત્વપૂર્ણ બની શકે છે. અલ-નીનોની અસરથી ઊર્જા પુરવઠો, ખાદ્ય સુરક્ષા અને આરોગ્ય સેવાઓ પર પણ દબાણ વધી શકે છે.

વૈજ્ઞાનિકોની નજર આગળના મહિનાઓ પર
અલ-નીનો કુદરતી હવામાન ચક્રનો એક ભાગ છે, પરંતુ આ વખતે તેની તીવ્રતા ચિંતાનો વિષય બની છે. રેકોર્ડ સ્તરે પહોંચેલા તાપમાનથી વૈશ્વિક હવામાન પ્રણાલી પર તેની અસર સ્પષ્ટ થઈ રહી છે. વૈજ્ઞાનિકો આગામી મહિનાઓમાં મળનારા નવા આંકડાઓની રાહ જોઈ રહ્યા છે. સામાન્ય લોકોએ સત્તાવાર હવામાન અપડેટ્સ પર ધ્યાન આપવું જોઈએ અને સ્થાનિક પ્રશાસનની સૂચનાઓનું પાલન કરવું જોઈએ. આ ઘટના ફરી એકવાર યાદ અપાવે છે કે વૈશ્વિક હવામાન પેટર્ન કેટલા શક્તિશાળી હોઈ શકે છે અને તેની સામે અગાઉથી તૈયારી કરવી જરૂરી છે.
આ પણ વાંચો: અલ-નીનોનો મહાપ્રકોપ? 2026-27માં તૂટશે ગરમીના તમામ રેકોર્ડ, ભારતના ચોમાસા પર પણ ખતરો