ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી આક્રમક બેટિંગ કરી રહેલા મેઘરાજાએ હવે વિરામ લીધો છે. હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી અનુસાર, રાજ્યમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમો હવે ધીમે-ધીમે નબળી પડી રહી છે, જેના કારણે આગામી દિવસોમાં વરસાદનું જોર નોંધપાત્ર રીતે ઘટશે. સમગ્ર રાજ્યમાં હવે કોઈ ભારે વરસાદની ચેતવણી નથી, પરંતુ માત્ર હળવાથી સામાન્ય વરસાદી ઝાપટાં પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પૂરથી પ્રભાવિત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ હવે આકાશી આફતમાંથી મોટી રાહત મળશે. સુરત, નવસારી અને વલસાડ સહિતના દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આગામી દિવસોમાં માત્ર હળવો કે મધ્યમ વરસાદ જ રહેશે. બીજી તરફ, રાજ્યના પાટનગર ગાંધીનગર અને અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં ચોમાસુ વાતાવરણ યથાવત રહેશે. અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે છૂટાછવાયા સ્થળોએ હળવા ઝાપટાં પડી શકે છે.

સિઝનમાં 9 ટકા વરસાદની ઘટ

ચોમાસાની ચાલુ સિઝનના આંકડા પર નજર કરીએ તો, રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ કરતાં 9 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. જોકે, દરિયાકાંઠાના વિસ્તારોમાં હજુ પણ પવનની ગતિ તેજ રહેવાની શક્યતા છે.

માછીમારોને દરિયો ન ખેડવા એલર્ટ

વહીવટી તંત્ર દ્વારા માછીમારોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આગામી 11 અને 12 જુલાઈના રોજ દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે. દરિયામાં ઊંચા મોજા ઉછળવાની આશંકા હોવાથી માછીમારોને કિનારે જ રહેવા તાકીદ કરાઈ છે.

દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર, ડાંગમાં સૌથી વધુ 24.0 મીમી વરસાદ

ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વિવિધ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળ્યો છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારો મોખરે રહ્યા છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ ડાંગ જિલ્લામાં 24.0 mm નોંધાયો છે, જે મધ્યમ વરસાદની શ્રેણીમાં આવે છે. આ ઉપરાંત, કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીમાં 22.8 mm અને વલસાડમાં 11.0 mm સાથે નોંધપાત્ર હળવો વરસાદ પડ્યો છે.

Gujarat Weather Update: Rainfall Intensity Decreases, IMD Forecasts Light Rain

જ્યારે ભરૂચ, તાપી, નવસારી, પંચમહાલ, નર્મદા અને સુરત જેવા જિલ્લાઓમાં 3.0 mm થી 8.0 mm સુધીનો વરસાદ નોંધાયો છે. મધ્ય અને ઉત્તર ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, ડાહોદ તેમજ દમણમાં 0.8 mm થી 2.0 mm જેટલો ખૂબ જ હળવો વરસાદ નોંધાયો છે, જ્યારે રાજ્યના બાકીના અન્ય તમામ જિલ્લાઓમાં હવામાન મુખ્યત્વે સૂકું રહ્યું છે.

https://twitter.com/sandeshnews/status/2075151199167480044

મહારાષ્ટ્ર-MPમાં વરસાદ ઘટશે, યુપીમાં આગામી 3 દિવસ સુધી મેઘરાજાની બેટિંગ

ચોમાસાને લઈને હવામાન વિભાગના મહત્વના અહેવાલ સામે આવ્યા છે, જે મુજબ આજે ચોમાસાએ સમગ્ર દેશને કવર કરી લીધો છે. રાહતના સમાચાર એ છે કે મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ (MP)માં આજથી જ વરસાદનું જોર ઘટશે, જ્યારે દક્ષિણના રાજ્યોમાં પણ આગામી 10 જુલાઈથી વરસાદમાં ઘટાડો નોંધાશે. બીજી તરફ, ઉત્તર પ્રદેશમાં હજુ પણ ચોમાસું સક્રિય રહેશે અને આગામી 3 દિવસ સુધી ત્યાં સાર્વત્રિક વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

https://twitter.com/sandeshnews/status/2075151505519444274



આ પણ વાંચો - સંદેશ ન્યૂઝના મેરેથોન કવરેજની મોટી અસર: પૂરના નુકસાનની સમીક્ષા કરવા CM ભૂપેન્દ્ર પટેલ સુરતની મુલાકાતે