રાજકોટ શહેર અને સમગ્ર જિલ્લામાં છેલ્લા 24 કલાકથી અવિરતપણે ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. સતત પડી રહેલા વરસાદને કારણે રાજકોટમાં 3.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, જેના પરિણામે શહેરની સિંચાઈ માટે અત્યંત મહત્વનો ગણાતો આજી-2 ડેમ પૂર્ણ સપાટીએ ભરાઈને ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતાં જ તેના નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે.
જળસપાટી નિયંત્રિત કરવા ડેમના 6 દરવાજા ખોલાયા
ઉપરવાસમાંથી થઈ રહેલી પાણીની સતત આવકને પગલે ડેમની સપાટી જાળવી રાખવા માટે તંત્ર દ્વારા આજી-2 ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા છે. નદીમાં પાણીનો પ્રવાહ વધતાં આજી નદી બે કાંઠે વહેતી થઈ છે, જેને પગલે સાવચેતીના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા સ્થાનિક વિસ્તારોને તાત્કાલિક સૂચનાઓ આપવામાં આવી છે.
પડધરી તાલુકાના 10 ગામોને સાવચેત કરાયા
આજી 2 ડેમમાંથી પાણી છોડવામાં આવતાં આજી નદીના નીચાણવાળા વિસ્તારમાં આવેલા પડધરી તાલુકાના 10 ગામોને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. એલર્ટ કરાયેલા ગામોમાં બાઘી, ડુંગરકા, નારાણકા, સખપર, હરીપર, ખંઢેરી સહિત આસપાસના અન્ય ગામોનો સમાવેશ થાય છે.
તંત્ર દ્વારા નદીના પટમાં ન જવા કડક સૂચના
ડેમના દરવાજા ખોલાતાં પૂરની શક્યતાને ધ્યાનમાં રાખીને રાજકોટ જિલ્લા તંત્ર દ્વારા જાહેર જનતા માટે એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. નદીના પટ્ટમાં કે કિનારાના વિસ્તારોમાં ન જવા અને પશુઓને પણ નદી કિનારેથી દૂર રાખવા માટે ગ્રામજનોને કડક સૂચના આપવામાં આવી છે. તંત્ર દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચો - Heavy Rain In Rajkot: રાજકોટમાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ, સુરવો ડેમનું જળસ્તર વધતાં લોકોને અવરજવર ન કરવા સૂચના