રાજકોટ શહેરમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા વિવિધ વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે. સેન્ટ્રલ ઝોન અને વેસ્ટ ઝોનમાં અંદાજે 2 ઇંચ જ્યારે ઈસ્ટ ઝોનમાં સવા ઇંચ વરસાદ વરસ્યો છે. વહેલી સવારથી ફરી ધીમીધારે વરસાદ શરૂ થતાં શહેરમાં ઠંડક પ્રસરી છે અને અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી રહી છે.
બીજી તરફ, સતત વરસાદને કારણે જેતપુર નજીક આવેલો સુરવો ડેમ ઝડપથી ભરાઈ રહ્યો છે. સુરવો ડેમ હાલ અંદાજે 70 ટકા ભરાઈ ગયો છે અને તેમાં પાણીની સતત આવક થઈ રહી છે. ડેમમાં હાલ 15,804 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે. ડેમની પૂર્ણ જળસપાટી 99.85 મીટર છે, જ્યારે હાલનું જળસ્તર આશરે 98 મીટરે પહોંચી ગયું છે.
નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત રહેવા અપીલ
ડેમમાં પાણીની સતત આવકને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રે નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે. ખાસ કરીને થાણા ગાલોળ, ખીરસરા અને ખજુરી ગુંદાળા ગામના લોકોને નદી-નાળા અને નીચાણવાળા વિસ્તારોમાં અવરજવર ટાળવા સૂચના આપવામાં આવી છે. તંત્ર દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને કોઈપણ ઇમરજન્સી સ્થિતિને પહોંચી વળવા જરૂરી તૈયારીઓ કરવામાં આવી રહી છે.
જેતપુરમાં ધોધમાર વરસાદ
રાજકોટ જિલ્લામાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતાં શહેરથી લઈને ગ્રામ્ય વિસ્તારો સુધી ધોધમાર વરસાદ નોંધાયો છે. જેતપુર શહેરમાં ગત રાત્રે 8 વાગ્યાથી આજે સવારના 8 વાગ્યા સુધીમાં અંદાજે 6 ઇંચ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. શહેરમાં ભારે વરસાદ બાદ હાલ પણ ધીમીધારે વરસાદ ચાલુ છે. તાલુકાના ખીરસરા, ખજુરી ગુંદાળા, સ્ટેશન વાવડી, દેવકીગાલોર, અમનગર અને વાડસડા સહિતના ગામોમાં પણ સારો વરસાદ વરસ્યો છે.
અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ
ઉપલેટા શહેર અને ગ્રામ્ય પંથકમાં પણ મોડી રાત્રિથી વરસાદી માહોલ જામ્યો છે. વિરામ બાદ ફરી વરસાદ શરૂ થતાં શહેરના માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વાડલા, ડુમિયાણી, હાડફોડી, ચીખલિયા, સેવંત્રા, ખાખી જાળીયા, નવાપરા, કેરાળા, ગઢાળા, મોજીરા, ભાયાવદર અને મોટી પાનેલી સહિતના ગામોમાં સારો વરસાદ નોંધાયો છે. વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. લોધીકા પંથકમાં પણ મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસતા ખીરસરા વિસ્તારની નદીઓમાં નવા નીરની આવક થઈ છે. લાંબી રાહ બાદ પડેલા વરસાદથી કપાસ અને મગફળીના પાકને નવજીવન મળતાં ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.
બીજી તરફ રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર વહેલી સવારે એક કાર બેકાબૂ બની રેલિંગ સાથે અથડાઈ હતી. અકસ્માતમાં રેલિંગને નુકસાન થયું હતું, જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. પોલીસે ઘટનાની નોંધ લઈને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: Heavy Rain RadhanPur: રાધનપુરમાં જળબંબાકાર, ઘરોમાં પાણી ઘૂસી જતા સ્થાનિકોને ભારે હાલાકી