રાજકોટ શહેરની ઋષિકેશ સોસાયટીમાં વિકાસના કામોને લઈને નવો વિવાદ સામે આવ્યો છે. સોસાયટીમાં લાંબા સમયથી રોડ-રસ્તાનું કામ અટકેલું હોવાથી સ્થાનિક રહીશો દ્વારા પોતાના વિસ્તારના કોર્પોરેટર સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. સ્થાનિકોના વિરોધ વચ્ચે આ મામલે કોર્પોરેટર સંજયસિંહ રાણાએ આપેલું ખુલાસો ચોંકાવનારો છે.

યુદ્ધના કારણે ડામરની અછત હોવાનો કોર્પોરેટરનો દાવો

રોડ ના બનવા પાછળ સ્થાનિક કોર્પોરેટર સંજયસિંહ રાણાએ એવું વિચિત્ર નિવેદન આપ્યું છે કે, આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા યુદ્ધના કારણે હાલમાં ડામરની ભારે અછત સર્જાઈ છે. ડામર ન મળવાના કારણે જ ઋષિકેશ સોસાયટીમાં રોડ બનાવવાનું કામ વિલંબિત થઈ રહ્યું હોવાનું સ્પષ્ટતા આપતા તેમણે જણાવ્યું હતું. કોર્પોરેટરના આ નિવેદન બાદ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.

https://twitter.com/sandeshnews/status/2082767946112479517

‘પાણી ભરાવા પાછળ લોકોનો જ દોષ’: કોર્પોરેટર સંજયસિંહ રાણા

ચોમાસા દરમિયાન સોસાયટીમાં થતા જળબંબારામ અને પાણી ભરાવાની સમસ્યા અંગે પણ કોર્પોરેટરે સ્થાનિકોને જ જવાબદાર ઠેરવ્યા છે. સંજયસિંહ રાણાના જણાવ્યા મુજબ, સ્થાનિક લોકો જાતે જ પોતાના ઘરની આગળ માટી પાથરી દે છે, જેના કારણે અન્ય જગ્યાઓ પર પાણીનો નિકાલ રોકાઈ જાય છે અને પાણી ભરાઈ રહે છે. તેમણે દાવો કર્યો હતો કે, પાણી ભરાવાની સમસ્યા પાછળ લોકોનો જ દોષ છે.

લાખોના ખર્ચે પથરાયેલી મોરમ ગાયબ, સ્થાનિકોમાં ભારે રોષ

બીજી તરફ, સોસાયટીના રહીશોનો આક્ષેપ છે કે, લોકોના લાખો રૂપિયાના ખર્ચે જે મોરમ પથરાવવામાં આવી હતી, તે પણ કેટલીક જગ્યાએથી ગાયબ થઈ ગઈ છે અને રસ્તાઓ બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયા છે. એક તરફ પાણી ભરાવાની સમસ્યા અને બીજી તરફ બિસ્માર રસ્તાઓને કારણે સોસાયટીના રહીશો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.


આ પણ વાંચો - Rajkot News : વિંછીયાના ભોયરા ગામમાં દીપડાનો આતંક, એક જ રાતમાં 6 ઘેટાં અને 1 વાછરડીનું મારણ કર્યું