સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાંથી એક અત્યંત દિલધડક અને આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. માંગરોળના કંટવા ગામ પાસેથી પસાર થતા રોડ પર એક વીજપોલ (ઈલેક્ટ્રિક થાંભલો) અચાનક ધરાશાયી થઈ ગયો હતો. કંટવા તરફથી દિનોદ ગામ તરફ જતા રસ્તા પર બનેલી આ ઘટનામાં એક આશાસ્પદ યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. અકસ્માતને પગલે સ્થાનિકોના ટોળેટોળાં એકઠા થઈ ગયા હતા.

કોસાડી ગામના સુફિયાન મામજી તરીકે થઈ ઓળખ

આ ગમખ્વાર દુર્ઘટનામાં ભોગ બનનાર મૃતક યુવકની ઓળખ થઈ ગઈ છે. મળતી માહિતી મુજબ, મૃતક યુવક મૂળ માંગરોળ તાલુકાના જ કોસાડી ગામનો વતની હતો અને તેનું નામ સુફિયાન મામજી હતું. સુફિયાન રોજની જેમ પોતાના કામ અર્થે મોટરસાઇકલ લઈને ભરૂચ તરફ જઈ રહ્યો હતો, તે દરમિયાન કાળમુખો વીજપોલ તેના પર તૂટી પડ્યો હતો, જેના કારણે તેને સંભળાવવાનો મોકો પણ ન મળ્યો.

ભારે પવન અને વરસાદ બન્યા કાળનું કારણ

દુર્ઘટના પાછળ હવામાનનો મિજાજ જવાબદાર હોવાનું સામે આવ્યું છે. ચોમાસાની મધ્યે પંથકમાં વહેલી સવારથી જ ભારે પવન ફૂંકાઈ રહ્યો હતો અને મુસળધાર વરસાદ પડી રહ્યો હતો. ભારે વરસાદ અને વાવાઝોડા જેવા પવનના કારણે કંટવા ગામના રસ્તા પર આવેલો લોખંડનો વીજપોલ એકાએક જમીનદોસ્ત થઈ ગયો હતો. બરાબર એ જ સમયે સુફિયાન ત્યાંથી પસાર થઈ રહ્યો હોવાથી વીજપોલ સીધો તેના પર પડ્યો હતો.

Surat News: Youth Killed as Electric Pole Collapses Due to Heavy Rain in Mangrol

પરિવારમાં માતમ, તંત્રની કામગીરી સામે સવાલો

આ અકસ્માતની જાણ થતાં જ કોસાડી ગામ અને યુવકના પરિવારમાં અરેરાટી સાથે ભારે રોકકળ મચી ગઈ છે. આશાસ્પદ યુવકના આકસ્મિક અવસાનથી સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બીજી તરફ, સ્થાનિક લોકોમાં વીજ કંપની અને તંત્ર સામે પણ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ચોમાસા પૂર્વે પ્રી-મોન્સૂન કામગીરી હેઠળ જર્જરિત વીજપોલ કેમ ચેક કરવામાં ન આવ્યા, તેવા ગંભીર સવાલો પણ ઉઠી રહ્યા છે.


આ પણ વાંચો - Gujarat Rain Update: ગુજરાતમાં સરેરાશ કરતાં 93% ઓછો વરસાદ, વાંચો IMD રિપોર્ટ