જૂનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ધોધમાર વરસાદના કારણે સમગ્ર વિસ્તારમાં જળબંબોળની સ્થિતિ સર્જાઈ છે અને ભારે તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. ખાસ કરીને માંગરોળના હુસેનાબાદ ગામમાં પૂરના પાણી ફરી વળતા સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે. સંદેશ ન્યૂઝની ટીમ પરિસ્થિતિનો તાગ મેળવવા હુસેનાબાદથી ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી હતી.

નોળી નદીના ધસમસતા પાણી રહેણાંક વિસ્તારોમાં ઘૂસ્યા

ભારે વરસાદને પગલે સ્થાનિક નોળી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. નદીના ધસમસતા પાણી હુસેનાબાદ ગામના વાડી વિસ્તારમાં અને રહેણાંક મકાનો તરફ વળી ગયા હતા. જોતજોતામાં પૂરના પાણી લોકોના ઘરોમાં ઘૂસી જતાં ચારેય તરફ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે.

https://twitter.com/sandeshnews/status/2073336738962092402

અંદાજે 60 ઘરો પ્રભાવિત, ઘરવખરીને ભારે નુકસાન

અચાનક આવેલા પૂરના પાણીના કારણે હુસેનાબાદ વિસ્તારના અંદાજિત 60 જેટલા ઘરો સીધા પ્રભાવિત થયા છે. લોકોના ઘરોમાં પાણી ભરાઈ જવાના કારણે અનાજ, કપડાં, ગાદલાં અને ઘરવખરી સહિતનો તમામ સામાન પલળી ગયો છે, જેના કારણે સ્થાનિકોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. હાલ આખો વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.


આ પણ વાંચો - Gujarat Rain Update: રાજ્યમાં આકાશી આફત, અતિભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત