અમદાવાદ જિલ્લાના બગોદરા પંથકમાં આવેલું સરલાગામ આકાશી આફત અને પૂરના પાણીને કારણે ચોમેરથી ઘેરાઈ ગયું છે. ઉપરવાસમાંથી થઈ રહેલી સતત અને ભારે પાણીની આવકને કારણે સરલાગામની ચારેય તરફ વરસાદી પાણી ભરાઈ ગયા છે. ગામની આસપાસ પાણીનો મોટો ભરાવો થઈ જતાં સમગ્ર ગામ બેટમાં ફેરવાઈ ગયું છે અને જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
50થી વધુ લોકોનું રેસ્ક્યુ કરી પ્રાથમિક શાળામાં સ્થળાંતર
ગામમાં પાણીનું સ્તર સતત વધી રહ્યું હોવાથી નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોના ઘર સુધી પૂરના પાણી પહોંચી ગયા હતા. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તંત્ર અને સ્થાનિક ટીમો દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. પાણીમાં ફસાયેલા 50થી વધુ ગ્રામજનોનું સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને તેમને ગામની પ્રાથમિક શાળા ખાતે બનાવેલા કામચલાઉ આશ્રયસ્થાનમાં સુરક્ષિત રીતે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે.
તંત્રની ઢીલી નીતિથી ગામ સંપૂર્ણ સંપર્ક વિહોણું
સરલાગામને જોડતા તમામ મુખ્ય રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હોવાથી વાહનવ્યવહાર બંધ થઈ ગયો છે, જેના કારણે ગામ સંપૂર્ણપણે સંપર્ક વિહોણું બની ગયું છે. સ્થાનિક રહીશોનો આક્ષેપ છે ,કે પ્રી-મોન્સૂન કામગીરી અને પાણીના નિકાલ માટે તંત્ર દ્વારા દાખવવામાં આવેલી ઢીલી નીતિને કારણે ગામમાં આ પ્રકારની કટોકટી સર્જાઈ છે.
https://twitter.com/sandeshnews/status/2081023565324042258
વધુ નુકસાન થાય તે પહેલાં ઝડપી નિકાલની માગ
હજુ પણ ઉપરવાસમાંથી સતત પાણીની આવક ચાલુ હોવાથી ગામ લોકોમાં ભારે ચિંતા અને ભયનો માહોલ વ્યાપી ગયો છે. ગ્રામજનો વહીવટી તંત્ર પાસે માગ કરી રહ્યા છે કે, યુદ્ધના ધોરણે પંપિંગ અથવા વૈકલ્પિક માર્ગ બનાવીને ગામ ફરતે ભરાયેલા પૂરના પાણીનો વહેલી તકે નિકાલ કરવામાં આવે, જેથી લોકોને વધુ મોટું આર્થિક અને માલમત્તાનું નુકસાન સહન ન કરવું પડે.
આ પણ વાંચો - Ahmedabad Rain Update: વિરમગામ અને માંડલમાં 18 ઇંચ વરસાદથી પૂર જેવી સ્થિતિ, 2000 લોકોનું સ્થળાંતર