અમદાવાદ જિલ્લાના બાવળા નગરમાં વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મુકાયા છે. બાવળાના અનેક વિસ્તારોમાં લોકોના ઘરોની અંદર પાણી ભરાઈ જવાના કારણે નગરજનોનો રોષ સાતમા આસમાને પહોંચ્યો છે. લાંબા સમયથી ઘરોમાં પાણી ભરાયેલા હોવા છતાં કોઈ ઉકેલ ન આવતા આખરે લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા.
ધોળકા માર્ગ પર ચક્કાજામ: વાહનવ્યવહાર ઠપ્પ થતા પોલીસ દોડતી થઈ
પરિસ્થિતિથી કંટાળીને રોષે ભરાયેલા નગરજનોએ બાવળા-ધોળકા મુખ્ય માર્ગ પર ટાયરો બળાવીને કે બેસીને ચક્કાજામ કરી દીધો હતો. આ વિરોધ પ્રદર્શનના કારણે ધોળકા માર્ગ પર સેંકડો વાહનો લાંબી કતારોમાં અટવાઈ ગયા હતા. ટ્રાફિક જામની ગંભીર પરિસ્થિતિ સર્જાતા સ્થાનિક પોલીસ તંત્ર તાત્કાલિક દોડતું થયું હતું અને માર્ગ પર કાફલો તૈનાત કર્યો હતો.
https://twitter.com/sandeshnews/status/2081379629089046717
40 કલાક વીતવા છતાં તંત્ર દ્વારા નિકાલની કોઈ કામગીરી નહીં
આંદોલનકારી નગરજનોએ તંત્ર સામે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે વરસાદને 40 કલાક જેટલો લાંબો સમય વીતી જવા છતાં તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે કોઈ જ નક્કર કામગીરી કરવામાં આવી નથી. વહીવટી તંત્રની ઘોર બેદરકારીના કારણે લોકોને બેહાલ સ્થિતિમાં રહેવું પડી રહ્યું છે. આ મામલે સ્થાનિક કોર્પોરેટરો દ્વારા પણ તંત્ર સમક્ષ ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી.
મામલતદાર અને ચીફ ઓફિસર સ્થળ પર પહોંચ્યા
પરિસ્થિતિ વધુ વણસતી જોઈને વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને બાવળા મામલતદાર અને નગરપાલિકાના ચીફ ઓફિસર તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે રોષે ભરાયેલા નગરજનોને સમજાવવાનો પ્રયાસ કરી વહેલી તકે પાણીના નિકાલની યોગ્ય કામગીરી કરવાની ખાતરી આપી હતી.
આ પણ વાંચો - Bavlaમાં વરસાદથી હાલ બેહાલ, સંજીવની સહિતની સોસાયટીઓના 3000 મકાનો પાણીમાં ગરકાવ!