ભારતીય હવામાન વિભાગ દ્વારા ડાંગ જિલ્લામાં આવતીકાલે એટલે કે 31 જુલાઈના રોજ અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. આ ગંભીર આગાહીને પગલે વિદ્યાર્થીઓની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને ડાંગ જિલ્લા કલેક્ટર એન. ડી. પરમારે મોટો નિર્ણય લીધો છે. કલેક્ટરના આદેશ અનુસાર, 31 જુલાઈના રોજ ડાંગ જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓ (શાળાઓ, કોલેજો અને આંગણવાડી)માં રજા જાહેર કરવામાં આવી છે.

તમામ અધિકારીઓ-કર્મચારીઓ સ્ટેન્ડબાય

ચોમાસાની ભયાનક સ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા વહીવટી તંત્ર પૂરેપૂરું એલર્ટ મોડ પર આવી ગયું છે. કલેક્ટરે જિલ્લાના ત્રણેય તાલુકામાં લાઇઝન અધિકારીઓની નિમણૂક કરી દીધી છે. આ ઉપરાંત, તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને તાત્કાલિક અસરથી સ્ટેન્ડબાય રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. જે કર્મચારીઓ રજા પર હતા, તેમની રજાઓ રદ કરીને તેમને તુરંત જ પોતાના હેડક્વાર્ટર પર હાજર થઈ જવા માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.

https://twitter.com/sandeshnews/status/2082792771921092720

કોઝવે અને રસ્તાઓ પર પોલીસ તૈનાત

ભારે વરસાદ દરમિયાન ઓવરટોપિંગ (પાણી ફરી વળવાની)ની શક્યતા ધરાવતા રસ્તાઓ, પુલો અને કોઝવે પર સુરક્ષાના ભાગરૂપે પોલીસ તથા હોમગાર્ડના જવાનોને તૈનાત કરી દેવાયા છે, જેથી કોઈ અકસ્માત ન સર્જાય. ડાંગ જિલ્લા કલેક્ટરે નાગરિકોને અપીલ કરી છે કે, તેઓ બિનજરૂરી ઘરની બહાર ન નીકળે અને નદી, નાળાં કે જળાશયો નજીક જવાનું ટાળે. આ ઉપરાંત ડાંગમાં આવતા પ્રવાસીઓ અને સ્થાનિક પશુપાલકોને પણ ખાસ સાવચેતી રાખવા જણાવવામાં આવ્યું છે.


આ પણ વાંચો - Gujarat Weather Update: સાંજના 4 વાગ્યા સુધીમાં આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, હવામાન વિભાગે કરી આગાહી