ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે આવેલો અને સમગ્ર પંથક માટે જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ ચાલુ સિઝનમાં બીજી વખત પૂર્ણ સપાટીએ ભરાઈને ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં આવેલ અમરેલી અને ધારી પંથકમાં પડેલા સાર્વત્રિક અને ભારે વરસાદના કારણે ડેમમાં સતત પાણીની વિપુલ આવક થઈ રહી છે. પરિણામે જળસપાટી પર નિયંત્રણ મેળવવા માટે તંત્ર દ્વારા તાત્કાલિક નિર્ણય લેવામાં આવ્યો છે.
રૂલ લેવલ જાળવવા ડેમના તમામ 59 દરવાજા ખોલાયા
ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા તેમજ ઉપરવાસમાંથી થઈ રહેલી આવકને પહોંચી વળવા માટે શેત્રુંજી ડેમના તમામ 59 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. ડેમના દરવાજા ખોલીને હાલ 9,440 ક્યુસેક પાણી શેત્રુંજી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. નદી બે કાંઠે વહેતી થતાં રમણીય દ્રશ્યો સર્જાયા છે, પરંતુ સાથે જ તંત્ર પણ સંપૂર્ણ સજ્જ બન્યું છે.
તળાજાના 12 અને પાલીતાણાના 5 સહિત 17 ગામોને હાઈ એલર્ટ કરાયા
નદીમાં મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવતાં નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું જોખમ ન સર્જાય તે માટે વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવાયા છે. ડેમની નીચેના ભાગમાં આવેલા પાલીતાણા તાલુકાના 5 અને તળાજા તાલુકાના 12 મળીને એકંદર 17 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. નદીના પટમાં કોઈએ જવું નહીં અને પશુઓને નદી કિનારે ન લઈ જવા માટે સ્થાનિક ગ્રામ પંચાયતો દ્વારા ડંકો વગાડી સૂચના આપવામાં આવી છે. પૂર નિયંત્રણ કક્ષ અને સ્થાનિક અધિકારીઓ દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
તંત્રની અપીલ
વહીવટી તંત્ર દ્વારા અપીલ કરતા જણાવવામાં આવ્યું છે કે, શેત્રુંજી નદીમાં મોટા પ્રમાણમાં પાણીનો જથ્થો છોડાઈ રહ્યો હોવાથી નીચાણવાળા વિસ્તારના નાગરિકોને સલામત સ્થળે રહેવા અને નદી કિનારે ન જવાની કડક સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો - Bhavnagar: કટ્ટરપંથી વિચારધારા ફેલાવવાનું કાવતરું ફ્લોપ, પોલીસ દ્વારા વધુ બે આરોપીઓની અટકાયત