અમદાવાદ જિલ્લાના ધોળકા શહેર અને તેના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. વહેલી સવારથી શરૂ થયેલા ધોધમાર વરસાદે સમગ્ર ધોળકા પંથકને ઘમરોળી નાખ્યું છે. પંથકમાં પડેલા આ ભારે વરસાદના કારણે ધોળકા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઢીંચણસમા વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેના લીધે મુખ્ય રોડ-રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
રસ્તાઓ ગરકાવ થતાં વાહનચાલકો પરેશાન, બાળકોને લેવા વાલીઓ પોતે સ્કૂલે પહોંચ્યા
માર્ગો પર મોટા પ્રમાણમાં પાણી ભરાઈ જવાના કારણે વાહનચાલકો અને રાહદારીઓને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને સવારના સમયે શાળાએ ગયેલા નાના-મોટા વિદ્યાર્થીઓ વરસાદી પાણીના ભરાવાને કારણે ભારે હાલાકીમાં મુકાયા હતા. સ્થિતિ વણસતાં અને રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં અનેક ચિંતિત વાલીઓ પોતાના બાળકોને સુરક્ષિત રીતે ઘરે લાવવા માટે પોતે સ્કૂલે પહોંચ્યા હતા.
