અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં પડી રહેલા સતત વરસાદને કારણે જનજીવન ભારે પ્રભાવિત થયું છે. ખાસ કરીને ગણપતિપુરા મંદિર પાસે આવેલો રેલવે અંડરબ્રિજમાં ભારે પ્રમાણમાં વરસાદી પાણી ભરાઈ જતાં તે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. અંડરબ્રિજમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતાં વાહનચાલકો અને સ્થાનિકો માટે ભારે મુશ્કેલી ઊભી થઈ છે.
વેજલકા હાઈવેને જોડતો મુખ્ય માર્ગ બંધ, વાહનવ્યવહાર ખોરવાયો
અંડરબ્રિજ જળમગ્ન થઈ જવાથી ગણપતિપુરા મંદિરથી વેજલકા હાઈવે તરફ જતો મુખ્ય માર્ગ સંપૂર્ણપણે બંધ કરવાની ફરજ પડી છે. આ માર્ગ પર પાણીનો ભરાવ વધુ હોવાથી વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. આ રૂટ પરથી દરરોજ પસાર થતા સ્થાનિક રહીશો અને વાહનચાલકોને અવરજવર કરવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
મંદિર પ્રશાસન દ્વારા દર્શનાર્થીઓને મહત્વની અપીલ
સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગણપતિપુરા મંદિર પ્રશાસન દ્વારા દર્શનાર્થીઓ માટે એક અગત્યની સૂચના જાહેર કરવામાં આવી છે. પાણીના ભરાવા અને રસ્તાઓ બંધ હોવાના કારણે મંદિર પ્રશાસને શ્રદ્ધાળુઓને હાલ પૂરતું ગણપતિપુરા મંદિર ખાતે દર્શન માટે ન આવવા અપીલ કરી છે. જેથી કરીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને દર્શનાર્થીઓ રસ્તામાં હેરાન ન થાય.
વૈકલ્પિક માર્ગ વાપરવા તંત્ર અને પ્રશાસનનો અનુરોધ
વરસાદી સ્થિતિ સામાન્ય ન થાય અને અંડરબ્રિજમાંથી પાણી ઓછાં ન થાય ત્યાં સુધી લોકોને બિનજરૂરી જોખમ ન લેવા જણાવવામાં આવ્યું છે. તંત્ર તેમજ મંદિર પ્રશાસન દ્વારા લોકોને મુસાફરી માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે, જેથી વાહનચાલકો સુરક્ષિત રીતે પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચી શકે.
આ પણ વાંચો - Dholka: ધોળકામાં 16 ઈંચથી વધુ વરસાદ