તાપી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી સતત પડી રહેલા મુસળધાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અનરાધાર વરસાદના કારણે જિલ્લાના વિવિધ તાલુકાઓમાં નદી-નાળા છલકાઈ ગયા છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ખાસ કરીને વાલોડ અને ઉકાઈ વિસ્તારમાં આ મોસમનો સૌથી વધુ વરસાદ નોંધાયો છે, જેના કારણે ચો તરફ જળબંબાકાર જેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે.

49 રસ્તાઓ બંધ, લો લેવલ કોઝવે પર ફરી વળ્યા પાણી

ભારે વરસાદના પરિણામે તાપી જિલ્લાના કુલ 49 જેટલા નાના-મોટા માર્ગો વાહનવ્યવહાર માટે બંધ કરવાની ફરજ પડી છે. નદીઓ અને ખાડીઓ પર આવેલા લો લેવલ કોઝવે પર પાણી ફરી વળતા સુરક્ષાના ભાગરૂપે તંત્ર દ્વારા આ રસ્તાઓ બંધ કરી દેવાયા છે. પાણીનો પ્રવાહ એટલો ઝડપી છે કે, ત્યાંથી પસાર થવું અત્યંત જોખમી બની ગયું છે.

કયા તાલુકામાં કેટલા રસ્તા બંધ?

  • ડોલવણ તાલુકો: 16 માર્ગો બંધ
  • વ્યારા તાલુકો: 13 માર્ગો બંધ
  • વાલોડ તાલુકો: 13 માર્ગો બંધ
  • સોનગઢ તાલુકો: 7 માર્ગો બંધ

કુલ 49 માર્ગો બંધ થતાં વાહનચાલકો અને સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

Tapi Rain Update: 49 Roads Closed, Villages Cut Off in Valod and Ukai

અનેક ગામો સંપર્કવિહોણા, તંત્ર દ્વારા સાવચેતીની અપીલ

મુખ્ય માર્ગો અને કોઝવે પર પાણી ભરાઈ જવાના કારણે તાપીના અંતરિયાળ વિસ્તારોના અનેક ગામડાઓનો તેમના તાલુકા મથક સાથેનો સીધો સંપર્ક તૂટી ગયો છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્થાનિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને વહેતા પાણીમાંથી વાહન ન ચલાવવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે. ઈમરજન્સી સેવાઓ માટે તંત્ર સતત એલર્ટ મોડ પર છે.


આ પણ વાંચો - Gujarat Weather Update: રાજ્યમાં 3 દિવસ ગાજવીજ સાથે અતિભારે વરસાદની આગાહી