વૈશ્વિક હવામાન મોડલોના વિશ્લેષણ મુજબ આ વર્ષે ભારતના મોટા ભાગના વિસ્તારોમાં સરેરાશ કરતાં ઓછી વરસાદી સ્થિતિ જોવા મળી શકે છે. રિપોર્ટમાં સંકેત આપવામાં આવ્યો છે કે પ્રશાંત મહાસાગરમાં વિકસી રહેલી 'ગોડઝિલા અલ નીનો' સ્થિતિ ભારતના પશ્ચિમ અને મધ્ય રાજ્યોના ચોમાસા પર ગંભીર અસર કરી શકે છે.
દેશના કરોડો ખેડૂતોને અસર
જો આ આગાહી સાચી સાબિત થાય તો દેશના કરોડો ખેડૂતો, ગ્રામિણ અર્થતંત્ર અને શહેરી પાણી પુરવઠા પર તેની સીધી અસર પડી શકે છે. વિવિધ વૈશ્વિક હવામાન કેન્દ્રોના મલ્ટી-મોડલ વેધર મેપ્સ અનુસાર પશ્ચિમ અને મધ્ય ભારતના વિસ્તારોમાં સામાન્ય કરતાં નોંધપાત્ર ઓછો વરસાદ થવાની શક્યતા દર્શાવવામાં આવી છે.
દુષ્કાળની સૌથી વધુ અસર ગુજરાત પર
દુષ્કાળની સૌથી વધુ અસર ભોગવી શકે તેવા રાજ્યોમાં ગુજરાતનું નામ સૌથી આગળ છે. અનુમાન મુજબ રાજ્યમાં વરસાદમાં મોટી ઘટાડો નોંધાઈ શકે છે. ઉપરાંત, બદલાતા હવામાનની સૌથી ગંભીર અસર કોંકણ અને ગોવાના દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળી શકે છે.
આ વિસ્તારોમાં સરેરાશ વરસાદની સરખામણીએ 100થી 200 મીમી અથવા તેનાથી વધુ ઘટાડો થઈ શકે છે. આ સ્થિતિ મહારાષ્ટ્ર, મુંબઈ અને આસપાસના કૃષિ તેમજ શહેરી વિસ્તારો માટે ચિંતાજનક બની શકે છે. આ ઉપરાંત આંધ્ર પ્રદેશના કેટલાક વિસ્તારો પણ તેની અસર હેઠળ આવી શકે છે.
શું છે ગોડઝિલા અલ નીનો?
હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર ભારતમાં જ્યારે પણ ચોમાસું નબળું પડે છે અથવા દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાય છે, ત્યારે તેનો સંબંધ ઘણી વખત અલ નીનો સાથે જોવા મળે છે.
અલનીનો એક કુદરતી હવામાન ઘટના
અલનીનો એક કુદરતી હવામાન ઘટના છે, જેમાં પ્રશાંત મહાસાગરના મધ્ય અને પૂર્વીય ભાગના સમુદ્ર સપાટીનું તાપમાન અસામાન્ય રીતે વધી જાય છે. જ્યારે આ તાપમાનમાં ખૂબ જ ઝડપી અને મોટા પ્રમાણમાં વધારો થાય છે, ત્યારે વૈજ્ઞાનિકો તેને 'ગોડઝિલા અલ નીનો' તરીકે ઓળખાવે છે. આ પરિસ્થિતિ વૈશ્વિક હવામાનના ચક્રને અસર કરે છે અને તેના કારણે ભારત સહિત અનેક દેશોમાં વરસાદના પેટર્નમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે.