Heavy Rain In Ahmedabad: અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદની પરિસ્થિતિએ હાહાકાર મચાવી દીધો છે. જાણે સમગ્ર શહેરમાં આભ ફાટ્યું હોય તેવી ભયાનક સ્થિતિ સર્જાઈ છે. શહેરમાં સરેરાશ 11.63 ઇંચ જેટલો અતિભારે વરસાદ ખાબક્યો છે. ખાસ કરીને શહેરના પશ્ચિમ અને સાઉથ વેસ્ટ ઝોનમાં વરસાદે સૌથી વધુ તારાજી સર્જી છે, જ્યાં ઝોનનો સરેરાશ વરસાદ 16. 87 ઇંચ નોંધાયો છે. જ્યારે સાબરમતી નદીમાં પાણીનું લેવલ ઓછું કરાયું છે. વરસાદની આગાહીને પગલે 123 ફૂટ લેવલ ઘટાડવામાં આવ્યું છે. કારણકે વરસાદનું પાણી નદીમાં જઈ શકે તે માટે આયોજન કરવામાં આવ્યું છે.

વહેલી સવારથી અમદાવાદમાં આજે પણ વરસાદી માહોલ છે. ત્યારે હજું પણ અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પાણી ભરાયેલું છે. વેજલપુરના શ્રીનંદ નગરમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. જેને કારણે લોકોને પારાવાર હાલાકી પડી રહી છે. જ્યારે અમદાવાદના નિકોલ મધુમાલતી આવાસમાં કમર સમા પાણી ભરાયા છે. સ્થાનિકોનું કહેવું છે કે, 2017 થી આ પ્રકારની સ્થિતિ સર્જાઈ રહી છે. ચોમાસામાં આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. ધારાસભ્ય, કોર્પોરેટર, તેમજ કોઈ જવાબદાર અધિકારી રજૂઆત કર્યા છતાં સમસ્યા યથાવત છે.

https://www.youtube.com/watch?v=WC3hLekpGgo

નોંધનીય છે કે, વરસાદને કારણે આજે ઝરમર વરસાદ વચ્ચે હેલ્મેટ ચાર રસ્તા પર હજી તળાવ જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. રોડની બંને તરફ 50 થી વધારે વાહનો બંધ હાલતમાં જોવા મળ્યા હતા. રોડ પર બંધ વાહનો અને પાણીના કારણે લોકોને હાલાકી પડી રહી છે. અમદાવાદમાં હાલ વરસાદે વિરામ લીધો છે ત્યારે આ વચ્ચે અંધજન મંડળની પાછળ મોટું વૃક્ષ ધરાશાયી થયું છે. વૃક્ષ ધરાશાયી થવાના કારણે ટ્રાફિકને અસર થઈ છે. તંત્રએ વૃક્ષ હટાવવા કામગીરી હાથ ધરી છે.

જોકે, ભારે વરસાદના કારણે હાલ હવામાન વિભાગે આગામી ત્રણ કલાક ભારે વરસાદની આગાહી કરી છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં રેડ એલર્ટ આપ્યું છે. આ સિવાય ગાંધીનગર અને અમદાવાદમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. 

આ પણ વાંચો: Heavy Rain In Vadodar: ઘર હોય કે બહાર... જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી, ભારે વરસાદના કારણે કમરસમા પાણી ભરાયા