રાજ્યભરમાં હાલ વરસાદી માહોલ છે. ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે ત્યારે વડોદરામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. આ વચ્ચે હવે સાવલી તાલુકાના પીલોલ આસોજ માર્ગ પર રેલવેના અંડરપાસમાં વરસાદી પાણી ભરાયા છે. જેને કારણે પાણી ભરાતા ઇમર્જન્સી કેસ લેવા જતી 108 એમ્બ્યુલન્સ માર્ગમાં અટવાઈ ગઈ હતી. વૈકલ્પિક માર્ગ ન મળતા એમ્બ્યુલન્સ આગળ વધી શકી નહીં. જોકે, 108નો સંપર્ક કરનાર દર્દીના પરિવારને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદી પાણી ભરાવાને કારણે વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયા છે.
નોંધનીય છે કે, દર વર્ષે અંડરપાસમાં પાણી ભરાવાની સમસ્યા સામે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેને લઈને કાયમી પાણી નિકાલની વ્યવસ્થા કરવાની સ્થાનિકોની માગ છે. વરસાદને લઈને લોકોને હાલાકી પડી રહી છે. જો વાત કરીએ વડોદરાનાં બાજવા માર્કેટમાં પાણી ભરાયા છે. ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને હાલાકી પડી હતી. લોકોનાં વાહનો બંધ થતાં ધક્કા મારવાનો વારો આવ્યો હતો.
