વાવેતરની રાહ જોઈને બેઠેલા ગુજરાતના ખેડૂતો અને કાળઝાળ ગરમીથી તોબા પોકારી ઉઠેલા નાગરિકો માટે હવામાન વિભાગ તરફથી ચોમાસાને લઈને સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં વિધિવત રીતે ચોમાસું ક્યારે બેસશે તેની સત્તાવાર જાહેરાત હવામાન વિભાગ દ્વારા કરી દેવામાં આવી છે.
15 જૂન બાદ ચોમાસુ શરુ થશે
હવામાન વિભાગની નવીનતમ આગાહી અનુસાર, ગુજરાતમાં આગામી 15 જૂન બાદ ગમે ત્યારે સત્તાવાર ચોમાસાનો પ્રારંભ થઈ જશે. જો કે, ચોમાસું બેસે તે પહેલાં જ રાજ્યના અનેક વિસ્તારોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે જોરદાર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
હાલ બે સિસ્ટમ સક્રિય
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં અરબી સમુદ્ર અને તેની આસપાસ એકસાથે બે શક્તિશાળી હવામાન સિસ્ટમ સક્રિય થઈ છે. આ ડબલ સિસ્ટમ સક્રિય થવાને કારણે આગામી 3 દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની ભારે આગાહી કરવામાં આવી છે. આ સિસ્ટમની સૌથી વધુ અને વ્યાપક અસર સૌરાષ્ટ્રના પંથકો અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળશે, જ્યાં તેજ પવન અને ગાજવીજ સાથે વરસાદ ખાબકી શકે છે. જ્યારે બીજી તરફ, રાજ્યના અન્ય ભાગોમાં વરસાદી માહોલ વચ્ચે પણ ગરમી અને અસહ્ય ઉકળાટનું પ્રમાણ યથાવત રહેશે.
અમદાવાદ સહિતના વિસ્તારોમાં બફારો
રાજ્યના આર્થિક પાટનગર ગણાતા અમદાવાદ અને આસપાસના વિસ્તારોની વાત કરીએ તો, અહીં આગામી દિવસોમાં વાદળછાયા વાતાવરણ સાથે અસહ્ય બફારો અને ઉકળાટ લોકોને પરેશાન કરશે. જો કે, બપોર બાદ કે સાંજના સમયે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા વરસાદી ઝાપટાં પડવાની પણ પૂરેપૂરી સંભાવના છે. હવામાન વિભાગની આ જાહેરાત બાદ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને તંત્ર દ્વારા પણ આગામી 15 જૂનથી શરૂ થનારા ચોમાસાને લઈને પ્રી-મોન્સૂન કામગીરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો---- Gujarat Latest News live : ભારત આયર્લેન્ડ ટી20 મેચ માટે શ્રેયસ ઐયર કપ્તાન, વૈભવ સુર્યવંશીની ટીમમા એન્ટ્રી