ગુજરાતમાં લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાએ રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં ધમાકેદાર વાપસી કરી છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગો તેમજ ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લામાં આજે સવારથી જ આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા છે અને વરસાદી માહોલ જામ્યો છે, જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

જૂનાગઢ અને જામજોધપુરમાં મેઘમહેર
લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે મેઘરાજાની જૂનાગઢ જિલ્લા પર કૃપા વરસી છે. જિલ્લામાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. વરસાદના આ આગમનથી કાળઝાળ ગરમી અને બફારાથી ત્રસ્ત લોકોને મોટી રાહત મળી છે અને સમગ્ર વાતાવરણમાં અચાનક ઠંડક પ્રસરી ગઈ છે. આ તરફ જામજોધપુર પંથકના વાતાવરણમાં પણ વહેલી સવારથી પલટો આવ્યો હતો અને જોરદાર વરસાદી ઝાપટાં પડ્યા હતા, જેને પગલે સ્થાનિકોમાં ખુશીનો માહોલ છે. જૂનાગઢના ધરતીપુત્રો વરસાદ પડતાં જ હરખાયા છે અને પાકને નવું જીવન મળતાં આનંદની લાગણી પ્રસરી છે.

અરવલ્લી જિલ્લામાં પણ લાંબા વિરામ બાદ મેઘરાજાની મહેર
બીજી તરફ, ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લામાં પણ લાંબા વિરામ બાદ મેઘરાજાની મહેર જોવા મળી છે. યાત્રાધામ શામળાજી અને મેઘરજના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી ધીમો વરસાદ શરૂ થયો છે. જો કે, અહીં હજુ સુધી પૂરતો વરસાદ ન પડવાને કારણે ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે. ખેતરોમાં અગાઉ કરેલી વાવણીના પાક પર સુકાઈ જવાનું સંકટ મંડરાઈ રહ્યું છે, જેથી ધરતીપુત્રો હવે આકાશ તરફ મીટ માંડીને બેઠા છે અને મેઘરાજાના મુશળધાર વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
https://www.instagram.com/reel/DazUpAwCiPh/?utm_source=ig_web_button_share_sheet
વડોદરામાં લાંબા વિરામ અને અસહ્ય બફારા બાદ મેઘરાજાની એન્ટ્રી
વડોદરામાં લાંબા વિરામ અને અસહ્ય બફારા બાદ મેઘરાજાની એન્ટ્રી થઈ છે. ફતેગંજ, નિઝામપુરા, અલકાપુરી અને સયાજીગંજમાં જોરદાર વરસાદી ઝાપટાં પડ્યા હતા. પીક અવર્સમાં વરસાદ તૂટી પડતા જ રાહદારીઓ અને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા અને ટ્રાફિક જામ સર્જાયો હતો. જોકે, આ વરસાદી માહોલથી વાતાવરણમાં એકાએક ભારે ઠંડક પ્રસરી ગઈ છે.
રાજકોટ શહેરમાં ભારે બફારા અને ઉકળાટ બાદ મેઘરાજાની તોફાની એન્ટ્રી
રાજકોટ શહેરમાં ભારે બફારા અને ઉકળાટ બાદ મેઘરાજાની તોફાની એન્ટ્રી થઈ છે. મવડી, રેસકોર્સ, યાજ્ઞિક રોડ, નાના મવા અને રિંગ રોડ પર ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જ્યારે મેટોડા, રેલનગર અને જામનગર રોડ પર પણ જોરદાર વરસાદ નોંધાયો છે. આ વરસાદથી રસ્તાઓ પાણી-પાણી થયા છે અને શહેરમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે.
આ પણ વાંચો : Sandesh Indepth : ચોમાસું ખોટકાયું, ગુજરાતમાં ગત વર્ષ કરતાં અડધો જ વરસાદ; 24.64% સાથે ખેડૂતો ચિંતિત, જળસંકટની ભીતિ!
