ગુજરાતભરમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીના પારામાં આંશિક ઘટાડો નોંધાયો છે, પરંતુ પવનની દિશા બદલાતા ભેજનું પ્રમાણ વધ્યું છે અને નાગરિકો અસહ્ય ઉકળાટનો સામનો કરી રહ્યા છે. આ બધાની વચ્ચે હવામાન વિભાગે રાજ્યના લોકોને મોટી રાહત આપતા સમાચાર આપ્યા છે. આગામી સમયમાં ભેજવાળા વાતાવરણને કારણે આજે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ ભાગોમાં હળવા વરસાદની સત્તાવાર આગાહી કરવામાં આવી છે.
ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું એલર્ટ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ જામશે. આ તરફ દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ મેઘ મહેર જોવા મળી શકે છે. આ ઉપરાંત સુરત, તાપી અને ભરૂચ જિલ્લામાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.
રાજ્યમાં ભારે ઉકળાટ અને અકળામણ
સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરીએ તો દ્વારકા, પોરબંદર અને જૂનાગઢમાં પણ વરસાદી પવન ફૂંકાઈ શકે છે. પવનની દિશા દક્ષિણ-પશ્ચિમની થતાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ ચરમસીમાએ પહોંચ્યું છે, જેના કારણે આગામી બે દિવસ સુધી રાજ્યમાં ભારે ઉકળાટ અને અકળામણ અનુભવાશે, જે બાદમાં વરસાદમાં પરિણમશે.
અમદાવાદ-ભાવનગરમાં સૌથી વધુ 40 ડિગ્રી તાપમાન
હાલમાં મોટાભાગના જિલ્લાઓમાં મહત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. જોકે, અમદાવાદ અને ભાવનગરમાં હજી પણ પારો 40 ડિગ્રી પર યથાવત છે. અન્ય શહેરોની વાત કરીએ તો ગાંધીનગરમાં 39.1, વડોદરા અને સુરેન્દ્રનગરમાં 39.2, રાજકોટ અને અમરેલીમાં 38.5 તેમજ ડીસામાં 37.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે દરિયાકાંઠાના વિસ્તારો જેવા કે સુરતમાં 35, દમણમાં 37, ભુજમાં 36.5 અને પોરબંદરમાં 35.2 ડિગ્રી તાપમાન સાથે ઉકળાટનું પ્રમાણ વધારે જોવા મળ્યું છે.
આ પણ વાંચો--- Sandesh Digital Explainer: મેઘરાજા આકાશી ચક્રવ્યૂહમાં ફસાયા..! કેમ અચાનક ગાયબ થઈ ગયા ચોમાસાના વાદળો? જાણો વિન્ડ વોરની ઇનસાઇડ સ્ટોરી