ગુજરાતમાં ચોમાસાની વિધિવત બેટિંગ વચ્ચે હવામાન વિભાગે રાજ્યના નાગરિકો માટે અત્યંત મહત્વપૂર્ણ અને તાકીદની ચેતવણી જારી કરી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા સવારે 10:00 વાગ્યા સુધી માટે જાહેર કરાયેલા લેટેસ્ટ 'નાઉકાસ્ટ' બુલેટિન મુજબ, રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ થઇ શકે છે. ખરાબ હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા જુદા-જુદા જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.
અમદાવાદ, ખેડા અને મહિસાગરમાં ભારે વરસાદની ચેતવણી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી અનુસાર, મધ્ય ગુજરાતના મુખ્ય જિલ્લાઓ જેવા કે અમદાવાદ, ખેડા અને મહિસાગર સહિતના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાને જોતા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઓરેન્જ એલર્ટવાળા વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ, આકાશી વીજળી પડવી તેમજ તોફાની પવન ફૂંકાવાની પૂરી સંભાવના છે. આથી નાગરિકોને આ સમયગાળા દરમિયાન અત્યંત સાવચેત રહેવા જણાવાયું છે.

મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર , દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં યેલો એલર્ટ
આ ઉપરાંત, રાજ્યના મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર , દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં ગાંધીનગર, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા અને સુરેન્દ્રનગર જિલ્લાઓનો સમાવેશ થાય છે. આ તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની સાથે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
કચ્છ સહિત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં અન્ય વિસ્તારોમાં હાલ કોઈ મોટી ચેતવણી નથી
બીજી બાજુ, કચ્છ સહિત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં અન્ય વિસ્તારોમાં હાલ કોઈ મોટી ચેતવણી નથી અને સામાન્ય વરસાદી માહોલ રહી શકે છે. હવામાન વિભાગે નાગરિકોને ખાસ અપીલ કરી છે કે તેઓ વાવાઝોડા કે ગાજવીજ વખતે ખુલ્લા મેદાનોમાં ન જાય, વૃક્ષો કે વીજળીના થાંભલાઓથી દૂર રહે અને અત્યંત આવશ્યક હોય તો જ ઘરની બહાર નીકળે.
આ પણ વાંચો : Surat : 'તમે અમારા સ્લેવ છો...' આ શબ્દોએ એક યુવાન ડોક્ટરનું જીવન છીનવી લીધું, હર્ષની કહાની તમને હચમચાવી દેશે