ગુજરાતમાં ચોમાસું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાક માટે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં તાકીદનું 'હાઈ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. સવારે 8 થી 11 વાગ્યા સુધીના આ વિશેષ બુલેટિનમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ગાજવીજ સાથે અતિભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન 41 થી લઈને 61 કિલોમીટર પ્રતિ કલાકની તોફાની ઝડપે પવન ફૂંકાવાની પણ ચેતવણી અપાઈ છે.
બે દિવસ સમગ્ર રાજ્ય માટે અત્યંત નાજુક
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી બે દિવસ સમગ્ર રાજ્ય માટે અત્યંત નાજુક છે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને ડાંગ જિલ્લામાં આભ ફાટે તેવી સ્થિતિ વચ્ચે અતિભારે વરસાદની સંભાવના છે. જ્યારે વલસાડ, ભાવનગર અને અમરેલી સહિતના વિસ્તારો માટે 'રેડ એલર્ટ' જારી કરી દેવાયું છે. આ ઉપરાંત કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ રેડ એલર્ટ જાહેર કરીને વહીવટી તંત્રને સાબદું કરવામાં આવ્યું છે.
