ગુજરાત પર મેઘરાજા અત્યંત આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી કલાકો માટે અત્યંત મહત્વની અને ગંભીર ચેતવણી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગની તાજી આગાહી અનુસાર, આજે બપોરે 1 વાગ્યા સુધી સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદી માહોલ રહેશે અને ખાસ કરીને સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મેઘતાંડવ મોટી તબાહી મચાવી શકે છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતાં રાજ્યના 8 સંવેદનશીલ જિલ્લાઓમાં 'રેડ એલર્ટ' જાહેર કરીને તંત્રને સાબદું કરવામાં આવ્યું છે.
સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં અત્યંત ભારે વરસાદની સંભાવના
હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે, દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં અત્યંત ભારે વરસાદની સંભાવના હોવાથી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લાને પણ રેડ એલર્ટ હેઠળ રાખવામાં આવ્યા છે. આ વિસ્તારોમાં આભ ફાટવા જેવી સ્થિતિ અથવા પૂરનું સંકટ તોળાઈ રહ્યું છે.
અન્ય જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ
ભારે વરસાદની આ સિસ્ટમ વચ્ચે મધ્ય અને ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં પણ વ્યાપક અસર જોવા મળશે. પોરબંદર, રાજકોટ, બોટાદ, ભરૂચ, નર્મદા, તાપી, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી અને સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે.
બપોરે 1 વાગ્યા સુધી સમગ્ર ગુજરાત હાઈ-એલર્ટ
જ્યારે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, કચ્છ, પાટણ, બનાસકાંઠા, દ્વારકા, જામનગર અને મોરબી જિલ્લામાં વરસાદનું 'યલો એલર્ટ' આપવામાં આવ્યું છે, જ્યાં વીજળીના કડાકા-ભડાકા સાથે મધ્યમથી ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે. બપોરે 1 વાગ્યા સુધી સમગ્ર ગુજરાત હાઈ-એલર્ટ પર હોવાથી વહીવટી તંત્ર દ્વારા આપત્તિ વ્યવસ્થાપનની ટીમોને તેનાત કરી દેવામાં આવી છે અને નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા તાકીદ કરાઈ છે.
આ પણ વાંચો---- Monsoon 2026 : વલસાડમાં સવાર-સવારમાં જ મેઘરાજાની જોરદાર બેટિંગ, બે કલાકમાં 6 ઇંચ વરસાદ, Video