રાજ્યમાં વરસી રહેલા અવિરત વરસાદની વચ્ચે મહેસાણા શહેરમાં પડેલા ભારે વરસાદના કારણે અચાનક એક દીવાલ ધસી પડતાં તેની નીચે દબાઈ જવાથી 5 વર્ષના એક માસૂમ બાળકનું ઘટનાસ્થળે જ કરુણ અવસાન થયું છે. આ દુર્ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને પરિવારમાં ભારે આક્રંદ છવાયું છે.
દીવાલ અચાનક પત્તાના મહેલની જેમ ધરાશાયી
મળતી વિગતો અનુસાર, મહેસાણા શહેરની સિંધી સોસાયટીની બાજુમાં ધોધમાર વરસાદ દરમિયાન એક દીવાલ અચાનક પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ હતી.
માસૂમ બાળક કાટમાળ નીચે દબાઈ ગયો
આ ઓચિંતી આફતમાં ત્યાં હાજર રુદ્ર સુનીલભાઈ દેવીપૂજકનામનો માસૂમ બાળક કાટમાળ નીચે દબાઈ ગયો હતો. સ્થાનિક લોકોએ ભારે જહેમત બાદ બાળકને બહાર કાઢ્યો હતો, પરંતુ કમનસીબે તેનો જીવ બચાવી શકાયો ન હતો. માસૂમના મૃતદેહને તાત્કાલિક પીએમ અર્થે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.
મામલતદારને સત્તાવાર પત્ર લખીને રજૂઆત કરી
આ ઘટના બાદ વોર્ડ નંબર 6 ના મ્યુનિસિપલ કાઉન્સિલર રાકેશકુમાર ભગવતપ્રસાદ બારોટે મામલતદારને સત્તાવાર પત્ર લખીને રજૂઆત કરી છે, જેમાં તેમણે આ દુર્ઘટનાને ભારે વરસાદના કારણે સર્જાયેલી કુદરતી આપત્તિજન્ય ઘટના ગણાવી છે. જો કે, આ કમનસીબ ઘટના બાદ મહેસાણા મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ વચ્ચે રાજકારણ ગરમાયું છે અને બંનેના નિવેદનોમાં સ્પષ્ટ મતભેદ સામે આવ્યો છે.
ધરાશાયી થયેલી દીવાલ જર્જરિત ન હતી
મનપાના વહીવટી અધિકારીઓ દાવો કરી રહ્યા છે કે ધરાશાયી થયેલી દીવાલ જર્જરિત ન હતી, જ્યારે બીજી તરફ શહેરના મેયરે નિવેદન આપ્યું છે કે આ દીવાલ વર્ષો જૂની અને જર્જરિત હાલતમાં હતી. તંત્રના આ વિરોધાભાસી નિવેદનોને પગલે હવે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો---- Sandesh Digital Explainer : અમરનાથ ગુફામાં હિમ શિવલિંગ વહેલા ઓગળવા પાછળના 5 ઇનસાઇડ કારણો..!