સમગ્ર દેશ સહિત ગુજરાતમાં અસહ્ય ગરમી અને બફારાથી પરેશાન નાગરિકો માટે હવામાન વિભાગ તરફથી રાહતના બહુ મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય ચોમાસું ખૂબ જ તીવ્ર ગતિથી દેશના અલગ-અલગ રાજ્યો તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગની તાજી અપડેટ અનુસાર, દક્ષિણ-પશ્ચિમ ચોમાસાએ આજે સત્તાવાર રીતે દમણ, દીવ અને ગુજરાતના દરિયાકાંઠાના પોરબંદરમાં ધમાકેદાર પ્રવેશીને પિચ મજબૂત કરી લીધી છે.


જમ્મુ-કાશ્મીર અને પંજાબના વિસ્તારોમાં પણ સમયસર પહોંચી ગયું 

ચોમાસાની આ આગેકૂચ માત્ર પશ્ચિમ ભારત પૂરતી મર્યાદિત નથી. આકાશી વાદળો પવનની ગતિ સાથે ઉત્તર ભારત તરફ પણ જોરદાર રીતે ફેલાયા છે, જેના કારણે ચોમાસું આજે જમ્મુ-કાશ્મીર અને પંજાબના વિસ્તારોમાં પણ સમયસર પહોંચી ગયું છે. દેશના ઉત્તરથી લઈને પશ્ચિમ છેડા સુધી મેઘરાજાએ જમાવટ કરતાં જગતનો તાત કલબલાટ કરી ઉઠ્યો છે અને વાવણી લાયક વરસાદની શરૂઆત થઈ ચૂકી છે.

48 કલાકમાં આખા ગુજરાતને કવર કરશે

હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આગામી બે દિવસ એટલે કે 48 કલાક સમગ્ર ગુજરાત માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું હોવાથી આગામી બે જ દિવસમાં મધ્ય અને ઉત્તર ગુજરાત સહિતના રાજ્યના બાકીના તમામ ભાગોને તે સંપૂર્ણપણે આવરી લેશે. 

બે દિવસમાં રાજસ્થાનમાં પ્રવેશશે

આ જ સમયગાળા દરમિયાન ચોમાસું રાજસ્થાનના રણપ્રદેશ તરફ પણ કૂચ કરશે અને ત્યાં વિધિવત એન્ટ્રી કરશે. હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે હાલ દેશભરમાં ચોમાસાની વધુ પ્રગતિ અને ભારેથી અતિભારે વરસાદ માટે સાયક્લોનિક સર્ક્યુલેશન અને પવનની દિશા સહિતની તમામ ભૌગોલિક પરિસ્થિતિઓ અત્યંત અનુકૂળ બનેલી છે. આગામી દિવસોમાં દેશભરમાં સાર્વત્રિક વરસાદની હેલી જોવા મળશે. 


આ પણ વાંચો----    Sandesh Digital Explainer: છેલ્લા 100 વર્ષમાં સૌથી સૂકો જૂન મહિનો કેમ રહ્યો ? હવે જુલાઈમાં શું થશે? તમારા પ્રશ્નના તમામ જવાબ વાંચો



  • Follow us on: