ગુજરાતમાં મેઘરાજા રૌદ્ર સ્વરૂપ ધારણ કરે તેવી પૂરેપૂરી શક્યતા છે. હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી અનુસાર, રાજ્યમાં એકસાથે ત્રણ શક્તિશાળી સિસ્ટમ સક્રિય થઈ છે, જેમાં ‘વેલ માર્ક્ડ લો પ્રેશર’, ‘વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ’ અને ‘ટ્રફ’નો સમાવેશ થાય છે. આ ત્રિપુટી સિસ્ટમને કારણે સમગ્ર ગુજરાતમાંથી ચોમાસાની મુખ્ય લાઈન પસાર થઈ રહી છે, જેને પગલે આગામી ૨૪ કલાક રાજ્ય માટે અત્યંત ભારે સાબિત થઈ શકે છે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો માટે ‘રેડ એલર્ટ’

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો માટે ‘રેડ એલર્ટ’ જાહેર કર્યું છે. આજે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, તાપી, ડાંગ અને ભાવનગરમાં અત્યંત ભારે વરસાદની આશંકા છે. 

સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ

આ સિવાય સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અમરેલી, ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા, ખેડા અને અરવલ્લી જિલ્લાઓમાં ‘ઓરેન્જ એલર્ટ’ સાથે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે જુનાગઢ, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં ગાજવીજ સાથે ભારે વરસાદ થઈ શકે છે.

અમદાવાદમાં થન્ડર સ્ટોર્મ સાથે વરસાદની આગાહી 

રાજ્યના આર્થિક પાટનગર અમદાવાદમાં પણ પવન અને વીજળીના કડાકા-ભડાકા એટલે કે ‘થન્ડર સ્ટોર્મ’ એક્ટિવિટી સાથે ધોધમાર વરસાદ વરસી શકે છે. આ આકાશી આફત અને તીવ્ર પવનને પગલે ગુજરાતના તમામ બંદરો પર ભયસૂચક ૩ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. દરિયામાં ઉંચા મોજા ઉછળવાની અને તેજ પવન ફૂંકાવાની શક્યતા હોવાથી માછીમારોને આગામી સૂચના સુધી દરિયો ન ખેડવા માટે તંત્ર દ્વારા કડક તાકીદ કરવામાં આવી છે. વહીવટી તંત્ર પણ નીચાણવાળા વિસ્તારો પર સતત નજર રાખી રહ્યું છે. 


આ પણ વાંચો----    Ahmedabad બ્લાસ્ટ કેસ : " મારા શરીરમાં આજેય બોમ્બના છરા છે " કહેતા પીડિત સંજય પાસવાને ચૂકાદાને સહર્ષ સ્વીકાર્યો, વાંચો તે દિવસે શું થયેલું..