દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા વિરામ લેવાના મૂડમાં નથી. વલસાડ અને સુરતના બારડોલીમાં થોડા કલાકોના વિરામ બાદ ફરી એકવાર આકાશ કાળુંડિબંગ ઘેરાયું છે અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. અગાઉના ભારે વરસાદથી ઓલરેડી પાણી-પાણી થયેલા આ વિસ્તારોમાં ફરી વરસાદ તૂટી પડતાં સ્થાનિક રહીશો અને વહીવટી તંત્રની ચિંતામાં મોટો વધારો થયો છે.
નીચાણવાળા વિસ્તારોમાં પાણી
વલસાડ શહેરમાં સવારથી જ છીપવાડ અંડરપાસ અને બજારો પાણીમાં ગરકાવ હતા, ત્યાં જ ફરીથી શરૂ થયેલા મુસળધાર વરસાદને કારણે સ્થિતિ વધુ નાજુક બની છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા.
બારડોલીમાં પણ ફરી વરસાદ શરુ
બીજી તરફ બારડોલી નગર અને ગ્રામ્ય પંથકમાં પણ પવનના સુસવાટા સાથે અનરાધાર વરસાદ શરૂ થઈ ગયો છે. બારડોલીનો સુગર ફેક્ટરી રેલવે અંડરપાસ અગાઉથી જ બંધ હતો, ત્યારે ફરી વરસાદ શરૂ થતાં હાઈવે અને લિંક રોડ પર ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ છે. હવામાન વિભાગની આગામી કલાકોની ભારે વરસાદની ચેતવણી વચ્ચે તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર છે અને લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.
https://twitter.com/sandeshnews/status/2074184207090450740
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 224 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ
ગુજરાતભરમાં ચોમાસાએ ધમાકેદાર ઇનિંગ શરૂ કરી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 224 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વરવો આકારો જોવા મળ્યો છે. વલસાડના વાપીમાં સૌથી વધુ 8.5 ઇંચ, કામરેજમાં 6.6 ઇંચ, પારડીમાં 6.3 ઇંચ અને ઉમરગામમાં 6.2 ઇંચ વરસાદ ખાબકતાં ચારેયબાજુ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.ૉ
લોકોને 10 કિલોમીટરનો લાંબો ફેરો ખાવાની નોબત આવી
વલસાડ જિલ્લામાં વહેલી સવારથી શરૂ થયેલા તોફાની વરસાદને કારણે છીપવાડ અંડરપાસ કમરસમા પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેના લીધે 4- જેટલા ગામોનો સંપર્ક તૂટી ગયો છે અને લોકોને 10 કિલોમીટરનો લાંબો ફેરો ખાવાની નોબત આવી છે. શહેરના દાણા બજાર, એમજી રોડ અને કાપડ બજારમાં પણ ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે.
શાળાઓમાં રજા જાહેર
હવામાન વિભાગના 'રેડ એલર્ટ' અને વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વલસાડ જિલ્લાની તમામ શાળાઓ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલી (સેલવાસ)ની તમામ શાળા-કોલેજોમાં આજે રજા જાહેર કરી દેવામાં આવી છે. આ તરફ સુરતના બારડોલીમાં પણ સુગર રેલવે અંડરપાસ પાણીમાં ડૂબી જતાં બેરિકેડ મૂકી ટ્રાફિક અન્ય રૂટ પર ડાયવર્ટ કરાયો છે.
સાપુતારા બન્યું આકર્ષણનું કેન્દ્ર
બીજી તરફ, ડાંગ જિલ્લામાં સાપુતારા ખાતે સૌથી વધુ 4 ઇંચ વરસાદ પડતાં પૂર્ણા, અંબિકા, ખાપરી અને ગીરા નદીઓ બે કાંઠે વહેતી થઈ છે, જેનાથી પ્રકૃતિ ખીલી ઉઠી છે અને ધોધ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. છોટાઉદેપુર જિલ્લામાં પણ છેલ્લા ૨૪ કલાકમાં બોડેલીમાં ૩.૪૨ ઇંચ સહિત સારો વરસાદ નોંધાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. જો કે, ઘોઘા અને નાનાપોંઢામાં ૬ ઇંચ તેમજ કપરાડા અને સુરત શહેરમાં ૫.૫ ઇંચ વરસાદે વહીવટી તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે.
આ પણ વાંચો----- Sandesh Digital Explainer : અમરનાથ ગુફામાં હિમ શિવલિંગ વહેલા ઓગળવા પાછળના 5 ઇનસાઇડ કારણો..!