રાજ્યમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આભ ફાટતાં જળબંબોળની સ્થિતિ સર્જાઈ છે. વલસાડ, ભાવનગર અને અમરેલી જિલ્લામાં ભારે વરસાદના કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે, જ્યારે વહીવટી તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડી ગયા છે.
વાપી જળબંબાકાર
વલસાડના વાપીમાં મોડી રાત્રે તૂટી પડેલા ધોધમાર વરસાદને કારણે ચલા રોડ, કસ્ટમ રોડ અને સ્ટેશન રોડ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વાપીના બંને મુખ્ય અંડરપાસ પાણીમાં ડૂબી જતાં વાહનવ્યવહાર ઠપ્પ થયો છે અને વરસાદી પાણી લોકોના ઘરો તેમજ દુકાનોમાં ઘૂસી જતાં મોટું નુકસાન થયું છે.
https://twitter.com/sandeshnews/status/2074184848370241884
ઘોઘા પંથકમાં માત્ર 4 કલાકમાં 6 ઇંચ વરસાદ
આવી જ સ્થિતિ ભાવનગર જિલ્લાની છે, જ્યાં 4.5 ઇંચ અને ઘોઘા પંથકમાં માત્ર 4 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબકતાં રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા છે. ભાવનગર-રાજકોટ હાઇવે અને નીલમબાગ-ડેરી રોડ પર ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં અનેક વાહનો બંધ પડ્યા છે અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. વડોદરામાં પણ માત્ર દોઢ ઇંચ વરસાદમાં પાલિકાની પોલ ખુલી ગઈ છે અને પરશુરામ ભઠ્ઠા વિસ્તાર તેમજ રેલવે અંડરપાસ પાણી-પાણી થઈ ગયા છે.
અમરેલી જિલ્લામાં બારે મેઘ ખાંગા
બીજી તરફ, અમરેલી જિલ્લામાં બારે મેઘ ખાંગા થયા છે. લાઠી-અમરેલી હાઇવે ટોડા ગામ નજીક બંધ થતાં વાહનવ્યવહાર અટકી ગયો છે. લાઠીના ચાવંડ ગામે પૂરના પાણી ઘૂસી જતાં એક કાચું મકાન ધરાશાયી થયું છે, જેમાં એક બાળક ઇજાગ્રસ્ત થતાં તેને હોસ્પિટલ ખસેડાયો છે. દેવીપૂજક વાસમાં પૂરની સ્થિતિ સર્જાતા મામલતદાર અને પોલીસ કાફલાએ તાત્કાલિક ૫૦ જેટલા લોકોનું રેસ્ક્યુ કરી સરકારી શાળામાં આશરો આપ્યો છે. આ ઉપરાંત, લીલીયાના હરિપર પાસે રેલવે ટ્રેક પર પાણી ફરી વળતાં મહુવા-સુરત રૂટની ટ્રેનને સાવરકુંડલા ખાતે રોકી દેવાની ફરજ પડી છે, જેને કારણે રેલવે સેવા પ્રભાવિત થઈ છે.
આ પણ વાંચો---- Sandesh Digital Explainer : અમરનાથ ગુફામાં હિમ શિવલિંગ વહેલા ઓગળવા પાછળના 5 ઇનસાઇડ કારણો..!