વિરમગામના નળકાંઠા વિસ્તારમાં સર્જાયેલા ભારે જળસંકટ અને આકાશી આફત વચ્ચે એક મોટી દુર્ઘટના ટળી છે. જેતાપુર-કેસરડી માર્ગ પર આવેલા કોઝવે પર પાણીના ધસમસતા પ્રવાહમાં એક સ્વીફ્ટ કાર તણાઈ જતાં અફરાતફરી મચી ગઈ હતી. જોકે, સ્થાનિક ગ્રામજનોની સમયસૂચકતા અને ભારે જહેમતના કારણે કારમાં સવાર 4 બાળકો અને ડ્રાઇવર સહિત તમામ 5 લોકોને સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે.

સ્વીફ્ટ કાર કોઝવે ડીપના પાણીમાં તણાઇ 

મળતી વિગતો અનુસાર, કેસરડી શાળાની હોસ્ટેલથી બાળકોને લઈને જેતાપુર તરફ જઈ રહેલી સ્વીફ્ટ કાર કોઝવે ડીપ પરથી પસાર થઈ રહી હતી. તે સમયે ઉપરવાસમાંથી અચાનક પાણીનો પ્રચંડ પ્રવાહ આવી જતાં કાર રસ્તા પરથી લપસીને પાણીના વહેણમાં તણાવા લાગી હતી. આ દિલધડક ઘટના નજરે જોતાં જ આસપાસના ગ્રામજનો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા.

https://www.instagram.com/reel/DbNLNZhk55a/?utm_source=ig_web_button_share_sheet    


દોરડા અને માનવસાંકળની મદદથી તમામને બચાવાયા

સ્થાનિકોએ જીવના જોખમે પાણીના ભારે પ્રવાહ વચ્ચે ઝંપલાવીને દોરડા અને માનવસાંકળની મદદથી કારમાં ફસાયેલા માસૂમ બાળકો અને ડ્રાઇવરને એક પછી એક સુરક્ષિત બહાર કાઢ્યા હતા. તમામ 5 લોકોનો આબાદ બચાવ થતાં સ્થાનિકો અને વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. 


આ પણ વાંચો  :   Sandesh Indepth : ગુજરાતમાં તો અલ-નીનોની અસર હતી તો પછી એવું શું થયું કે 14 કલાકમાં અનેક સ્થળે 16 ઇંચ વરસાદ ખાબક્યો?