ગુજરાતમાં એક તરફ ગરમીનો પ્રકોપ યથાવત છે, તો બીજી તરફ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કીનારે મેઘરાજાએ દસ્ત કરી છે. દરિયાઈ પવન અને ટ્રફ સિસ્ટમ સક્રિય થવાના કારણે હવામાન વિભાગ દ્વારા આજે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને સુરત, ભરૂચ, નર્મદા, ડાંગ અને તાપીમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરે તેવી સંભાવના છે. જ્યારે નવસારી, વલસાડ અને દાદરા-નગર હવેલીમાં વહીવટી તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.


વલસાડ જિલ્લામાં મોડી રાતથી જ અનરાધાર વરસાદ 

દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં મોડી રાતથી જ અનરાધાર વરસાદ શરૂ થઈ ગયો છે. ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલા ઉમરગામમાં ધોધમાર વરસાદ નોંધાયો છે, જ્યારે વાપીમાં પણ મેઘરાજાએ મન મૂકીને વહાલ વરસાવ્યું છે. વાપીમાં માત્ર 4 કલાકમાં જ દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જો કે આ વરસાદના પગલે બફારાથી પરેશાન લોકોને મોટી રાહત મળી છે અને વાતાવરણમાં સરસ ઠંડક પ્રસરી ગઈ છે.

સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી

સૌરાષ્ટ્રની વાત કરીએ તો રાજકોટ, જૂનાગઢ અને અમરેલીમાં ભારે વરસાદની સંભાવના છે, જ્યારે ભાવનગર અને ગીર સોમનાથમાં પણ વરસાદી માહોલ જોવા મળશે.

મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદ

બીજી તરફ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા તેમજ અમદાવાદ, પંચમહાલ અને મહીસાગરમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા સેવાઈ રહી છે. 

 શહેરોમાં ગરમીનો પારો 38 થી 40 ડિગ્રીની આસપાસ નોંધાયો 

આશ્ચર્યની વાત એ છે કે વરસાદની આ આગાહી વચ્ચે પણ રાજ્યના મોટા ભાગના શહેરોમાં ગરમીનો પારો 38 થી 40 ડિગ્રીની આસપાસ નોંધાયો છે. ગાંધીનગરમાં તાપમાન ૪૦.૫ ડિગ્રી અને અમદાવાદમાં ૪૦.૪ ડિગ્રી સુધી પહોંચતા નાગરિકો બફારાથી અકળાયા છે. આ સિવાય કંડલા અને રાજકોટમાં ૪૦.૫ ડિગ્રી, સુરેન્દ્રનગરમાં ૪૦ ડિગ્રી, વડોદરામાં ૩૮.૬ ડિગ્રી અને અમરેલીમાં ૩૮.૫ ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન નિષ્ણાતોના મતે, આ અસહ્ય બફારો જ રાજ્યમાં પ્રચંડ વરસાદી સિસ્ટમને વધુ મજબૂત બનાવી રહ્યો છે. 


આ પણ વાંચો---    Sandesh Digital Explainer : મેઘરાજાની એન્ટ્રીનું કાઉન્ટડાઉન..! જાણો છેલ્લા 10 વર્ષમાં ક્યારે વહેલા પધાર્યા અને ક્યારે કરાવ્યો ભારે ઈન્તેઝાર?


  • Follow us on: