પ્રિ મોન્સુન એક્ટિવીટીના ભાગરુપે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘમહેર શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગ દ્વારા આજે પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે રાજ્યના ગાંધીનગર સહિત અમદાવાદ અને મહેસાણા ઉપરાંત સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં વરસાદ પડવાની સંભાવના છે.
દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી
દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારો જેવા કે મહિસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટોછવાયો વરસાદ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ તરફ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદ જિલ્લામાં પણ પવન સાથે વરસાદી માહોલ જોવા મળશે.













