ગુજરાતમાં ચોમાસાએ એન્ટ્રી કરી લીધી છે. હવામાન વિભાગની તાજી વિગતો અનુસાર, રાજ્યમાં હાલ એક શક્તિશાળી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. આ સિસ્ટમ અને મોસમી ટ્રફની સંયુક્ત અસરને કારણે સમગ્ર ગુજરાતમાં આગામી દિવસોમાં તોફાની વરસાદી માહોલ રહેવાની પ્રબળ શક્યતા છે. 


સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ

હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓ માટે 'યલો એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ગાજવીજ અને તીવ્ર પવન સાથે ભારે વરસાદ ખાબકી શકે છે.

અમરેલી અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આશંકા

ચોમાસાની આ સિસ્ટમ સક્રિય થતાં જ સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ સિવાય ઉત્તર ગુજરાતના મહેસાણા અને સાબરકાંઠા સહિતના કેટલાક જિલ્લાઓમાં પણ આકાશ વાદળછાયું રહેશે અને વાતાવરણ વરસાદી બની રહેશે. 

અસહ્ય ઉકળાટ વચ્ચે પવન સાથે વરસાદી ઝાપટાં 

વહીવટી તંત્ર દ્વારા કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દીવમાં પણ હળવાથી મધ્યમ વરસાદી માહોલ સર્જાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ, અમદાવાદ અને ગાંધીનગર જેવા મધ્ય ગુજરાતના મુખ્ય શહેરોમાં અસહ્ય ઉકળાટ વચ્ચે પવન સાથે વરસાદી ઝાપટાં પડવાની પૂરેપૂરી શક્યતા છે.

માછીમારો માટે કડક ચેતવણી

ભૂગોળ અને દરિયાઈ સરહદોને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે માછીમારો માટે કડક ચેતવણી જારી કરી છે. આગામી દિવસોમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં 40થી 50કિલોમીટર પ્રતિકલાકની ઝડપે તેજ પવન ફૂંકાવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. બંદર વિસ્તારોમાં પણ સાવચેતીના પગલાં લેવાનું શરૂ કરી દેવાયું છે. પવન અને ગાજવીજના કારણે લોકોને વીજળીના થાંભલા કે નબળા વૃક્ષો નીચે ઊભા ન રહેવા અને વહીવટી તંત્રની ગાઇડલાઇનનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. 


આ પણ વાંચો----   Venezuela Earthquake: વેનેઝુએલામાં 7.5 અને 7.1 ની તીવ્રતાના બે પ્રચંડ ભૂકંપ, અનેક ઇમારતો ધરાશાયી, Video

  • Follow us on: