રાજ્યમાં એકતરફ કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટથી નાગરિકો તોબા પોકારી ઉઠ્યા છે, ત્યાં બીજી તરફ હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. હવામાં એકસાથે બે શક્તિશાળી સિસ્ટમ સક્રિય થવાને કારણે આગામી દિવસોમાં ગુજરાતના વિવિધ ભાગોમાં પવન અને ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
સિસ્ટમની સંયુક્ત અસરથી વરસાદ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં એક તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને બીજી તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. આ બે સિસ્ટમની સંયુક્ત અસરના કારણે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મેઘરાજાની એન્ટ્રી થઈ શકે છે. ખાસ કરીને દમણ, દાદરા નગર હવેલી, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના પોરબંદર, દીવ અને કચ્છના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાં પડી શકે છે.
ઉકળાટ અને ગરમીનું જોર યથાવત
જો કે, આ માહોલ વચ્ચે પણ રાજ્યમાં ઉકળાટ અને ગરમીનું જોર યથાવત રહ્યું છે. મધ્ય ગુજરાતમાં આગામી સમયમાં તાપમાન ઊંચું રહેવાની આગાહી સાથે હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે. આજે રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન ૪૦ થી ૪૧ ડિગ્રી આસપાસ નોંધાયું છે. જેમાં અમદાવાદ ૪૨.૨ ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યું છે. આ સિવાય અમરેલીમાં ૪૧.૭ ડિગ્રી, ભાવનગરમાં ૪૧.૪ ડિગ્રી, સુરેન્દ્રનગરમાં ૪૧.૨ ડિગ્રી, વડોદરામાં ૪૦.૯ ડિગ્રી, ગાંધીનગરમાં ૪૦.૮ ડિગ્રી, રાજકોટમાં ૪૦.૬ ડિગ્રી અને ડીસામાં ૪૦.૧ ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે સરહદી વિસ્તાર ભુજ અને કચ્છમાં પારો ૩૮ થી ૩૮.૫ ડિગ્રી અને સુરતમાં ૩૫.૨ ડિગ્રી રહ્યો છે.
ગરમીથી તોડી રાહત મળી શકે
આ અસહ્ય ગરમી અને બફારાના બેવડા વાતાવરણને કારણે નાગરિકોને તબિયત સાચવવા અને બપોરના સમયે વિશેષ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. રાજ્યમાં ગરમીની આ આકરી ઇનિંગ્સ વચ્ચે આગામી 24 થી 48 કલાકમાં પલટાનારું વાતાવરણ લોકોને ગરમીથી થોડી રાહત અપાવશે.
આ પણ વાંચો---- Gujarat Latest News Live : રાજ્યમાં ગરમી વચ્ચે વરસાદની આગાહી