દક્ષિણ ગુજરાતના ગિરિમાથક ડાંગ જિલ્લામાં વહેલી સવારથી જ સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી રેડ એલર્ટ ની ગંભીર ચેતવણીને પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રવાસન સ્થળો પર સઘન સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ડાંગના પ્રખ્યાત ગીરાધોધ ને પ્રવાસીઓ માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે.
અંબિકા, પૂર્ણા, ખાપરી અને ગીરા ના જળસ્તરમાં ભયજનક વધારો
સતત વરસી રહેલા વરસાદને કારણે ડાંગ જિલ્લાની મુખ્ય નદીઓ જેવી કે અંબિકા, પૂર્ણા, ખાપરી અને ગીરા ના જળસ્તરમાં ભયજનક વધારો નોંધાયો છે અને નદીઓ બંને કાંઠે વહેવા લાગી છે. નદી કિનારે આવેલા નીચાણવાળા ગામડોને સતર્ક રહેવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.
