અમરેલી જિલ્લાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારો અને શહેરી વિસ્તારોમાં ગત રાતથી ક્યાંક ધીમી ધારે વરસાદ તો ક્યાંક ધોધમાર વરસાદ પડ્યો છે. કેટલાક વિસ્તારોમાં પાંચથી સાત ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો ધારી તાલુકાના કેનાલપરા ગામે ગામમાં આવવાનો પુલ ભારે વરસાદના કારણે તૂટી ગયો છે ગામની આસપાસ આવેલા ખેતરોમાં પાણી ભરાતા ખેતરો બેટમાં ફેરવાયા છે. બેથી ત્રણ વખત ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જિલ્લામાં મુખ્ય નદીઓ માં પૂર આવ્યા છે.

ભારે વરસાદથી જનજીવનને અસર

અમરેલી જિલ્લામાં ગતરાતથી વરસેલા ભારે વરસાદે જનજીવનને અસર પહોંચાડી છે. સતત વરસાદના કારણે અનેક નદી-નાળા છલકાયા છે, જ્યારે ગીર પંથકમાં ભારે વરસાદને પગલે શેત્રુંજી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ગાવડકા નજીક શેત્રુંજી નદી બે કાંઠે વહેતા નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમરેલી-સાવરકુંડલા નેશનલ હાઈવે પર મોટા ગોખરવાળા પાસે આવેલા કોઝવે પર વરસાદી પાણી ફરી વળતાં માર્ગ સંપૂર્ણ પ્રભાવિત થયો છે. છેલ્લા બે કલાકથી વાહનોની અવરજવર ઠપ્પ થઈ ગઈ છે અને કોઝવેની બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી છે. ભારે વરસાદના કારણે સ્થાનિક નદીઓમાં પણ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે અને ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.

નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા

લીલીયા તાલુકાના મફત પ્લોટ અને સિવિલ વિસ્તાર સહિતના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગોઠણસમાં પાણી ભરાઈ જતાં ઘરવખરીને નુકસાન થયું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે અનેક વખત સરપંચ અને મામલતદાર સહિત તંત્ર સમક્ષ રજૂઆત કરવા છતાં કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. બીજી તરફ, ઉપરવાસમાં ભારે વરસાદને કારણે અમરેલીની કેબી નદીના બે દરવાજા 0.15 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. અમરેલી, ફતેપુર, પ્રતાપરા અને ચાપાથળ સહિતના નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તંત્રએ લોકોને નદીના પ્રવાહથી દૂર રહેવા અને જરૂરી સાવચેતી રાખવા અપીલ કરી છે.

નેશનલ હાઈવે પાણીમાં ગરકાવ 

એટલું જ નહીં અમરેલી-સાવરકુંડલા નેશનલ હાઈવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. મોટા ગોખરવાળા પાસે કોઝવે ઉભરાતા રસ્તો બંધ કરવામાં આવ્યો છે. સતત બે કલાકથી વાહનોની અવરજવર ઠપ્પ છે. ભારે વરસાદથી નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. કોઝવેની બંને તરફ વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે.

આ પણ વાંચો: Heavy Rain In Rajkot: રાજકોટમાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ, સુરવો ડેમનું જળસ્તર વધતાં લોકોને અવરજવર ન કરવા સૂચના