ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદની અસર હવે રેલવે વ્યવહાર પર પણ જોવા મળી રહી છે. દાહોદ નજીક રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જતાં દિલ્હી-મુંબઈ રૂટ પર ટ્રેન વ્યવહાર પ્રભાવિત થયો છે. પરિણામે કેટલીક ટ્રેનોને વચ્ચેના સ્ટેશનો પર રોકી દેવામાં આવી હતી, જ્યારે કેટલીક ટ્રેનો રદ કરવાની ફરજ પડી હતી.
ટ્રેન રદ થતા મુસાફરો અટવાયા
હરિયાણાના ભીવાનીથી મુંબઈ જતી 09001/09002 ભીવાની-મુંબઈ ટ્રેનને રતલામ ખાતે લગભગ 24 કલાક રોકી રાખ્યા બાદ દાહોદ સુધી લાવવામાં આવી હતી, પરંતુ ટ્રેકની સ્થિતિને ધ્યાનમાં રાખીને દાહોદ ખાતે જ ટ્રેન રદ કરવામાં આવી હતી. ટ્રેન રદ થતાં મોટી સંખ્યામાં મુસાફરો દાહોદ રેલવે સ્ટેશન પર અટવાઈ ગયા હતા, જેના કારણે સ્ટેશન પર હોબાળો મચ્યો હતો.
