રાજ્યભરમાં ભારે વરસાદને લઈને ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે. તેમજ વરસાદને કારણે લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. વહેલી સવારથી રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. આ વચ્ચે હવે હવામાન વિભાગે વરસાદને લઈને મોટી આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે મેઘરાજા રાજ્યમાં તોફાની બેટિંગ કરશે.
હવામાન વિભાગે કરી વરસાદને લઈ આગાહી
મળતી માહિતી અનુસાર હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈને દાહોદ, પંચમહાલ , છોટાઉદેપુર , વડોદરા, તાપી, ભરૂચ, નર્મદા, સુરત , નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ભાવનગર, આણંદ , ખેડા, અમદાવાદ, ગાંધીનગર મહીસાગર, સાબરકાંઠા, અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે.
અનેક વિસ્તારોમાં આપ્યું યલો એલર્ટ
આ સિવાય અમરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, બોટાદ, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, વાવ, થરાદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. નોંધનીય છે કે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહીને પગલે લોકોને કામ સિવાય બહાર ન નીકળવા પણ સૂચના આપવામાં આવી છે. નોંધનીય છે કે, વહેલી સવારથી દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનુ રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. વલસાડમાં મેઘરાજાએ ધમાકેદાર બેટીંગ કરી છે. ઔરંગા નદીના પાણી શહેરમાં ઘૂસ્યા છે. તો અમદાવાદમાં પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની પરિસ્થિતિ સામે આવી છે. તો અંડરપાસમાં પણ પાણી ભરાઈ જતા અંડરપાસ બંધ કરાયા છે. આ સિવાય બાળકોને શાળામાંથી રજાઓ આપી દીધી છે.
બોપલ વિસ્તારમાં જળબંબાકારની પરિસ્થિતિ
અમદાવાદમાં પડેલા ધોધમાર વરસાદને પગલે બોપલ વિસ્તારમાં જળબંબાકારની ગંભીર પરિસ્થિતિ નિર્માણ પામી છે. બોપલના પોશ ગણાતા સ્ટર્લિંગ સિટી સોસાયટીમાં વરસાદી પાણી ઘૂસી જતાં કરોડો રૂપિયાના બંગલાઓમાં પાણી ફરી વળ્યા છે. ઘરોના ગ્રાઉન્ડ ફ્લોર અને કમ્પાઉન્ડમાં પાણી ભરાઈ જતાં સ્થાનિક રહીશો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. કિંમતી સામાન પલળી જવાની સાથે જ સોસાયટીના માર્ગો પણ તળાવમાં ફેરવાઈ જતાં લોકો ઘરોમાં કેદ થવા મજબૂર બન્યા છે.
વહેલી સવારથી 4 ઈંચ વરસાદ ખાબક્યો
અમદાવાદમાં વહેલી સવારથી જ મેઘરાજાએ મનમૂકીને બેટિંગ શરૂ કરી છે. માત્ર એક જ કલાકમાં ચાર ઇંચ જેટલો ધોધમાર વરસાદ ખાબકતાં પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ચારેય તરફ પાણી ભરાઈ જતાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને રસ્તાઓ પર વાહનોની લાંબી લાઈનો સાથે ભારે ટ્રાફિક જામ થયો છે.આ પણ વાંચો: Rain In Valsad: વલસાડમાં સંજાણ-હુમારણને જોડતો બ્રિજનો ભાગ તૂટ્યો, ઉપરવાસમાં ભારે વરસાદના કારણે હાહાકાર
