ગુજરાતના અનેક વિસ્તારોમાં અને વિશેષ કરીને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ અને પૂરની સ્થિતિ સર્જાઈ છે. રાજ્યભરમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ત્યારે હવે વલસાડમાં ધોધમાર વરસાદથી હાલાકી પડી રહી છે. સંજાણ-હુમારણને જોડતો બ્રિજનો ભાગ તૂટી પડતા ચકચાર મચી જવા પામી છે. પુલનો એક ભાગ પાણીમાં વહેતા હાલાકી પડી રહી છે. નોંધનીય છે કે, ઉપરવાસમાં ભારે વરસાદને પગલે બ્રિજ તૂટી પડ્યો છે.

સંજાણ હુમારણ ગામને જોડતો બ્રિજ તૂટ્યો

મળતી માહિતી અનુસાર વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાની ઘટના સામે આવી છે. ભારે વરસાદના કારણે સંજાણ હુમારણ ગામને જોડતો બ્રિજનો એક ભાગ તૂટી પડ્યો છે. પાણીના જોરદાર પ્રવાહના કારણે પુલનો એક હિસ્સો પાણીમા વહી ગયો છે. આ ઘટના ભાટી કર્મબેલી નજીક બની હોવાનું સામે આવ્યું છે. વારોલી નદીમાં બનેલ બ્રિજ ઉપરવાસમા ભારે વરસાદને પગલે બ્રિજ તૂટી ગયો છે.

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનુ રૌદ્ર સ્વરૂપ

નોંધનીય છે કે, દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનુ રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. વલસાડમાં મેઘરાજાએ ધમાકેદાર બેટીંગ કરી છે. ઔરંગા નદીના પાણી શહેરમાં ઘૂસ્યા છે. પોલીસ અને સ્થાનિકોએ બચાવ કામગીરી સંભાળી છે. જોકે, છીપવાડ વિસ્તારમાં લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે, ગર્ભવતી મહિલાનું જીવના જોખમે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આ સિવાય દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું સૌથી રૌદ્ર સ્વરૂપ નવસારી જિલ્લામાં જોવા મળ્યું છે. છેલ્લા 24 કલાકમાં નવસારી જિલ્લામાં 10 ઇંચ જેટલો સરેરાશ વરસાદ ખાબકતાં ચારેય તરફ જળબંબાકાર થયો છે. નવસારી જિલ્લામાં પૂર સંકટ વધુ ઘેરાયું છે.


આ પણ વાંચો: Heavy Rain In Ahmedabad: અમદાવાદના રસ્તાઓ પર ફરી વળ્યા પાણી, અત્યાર સુધીમાં 4 ઈંચ વરસાદ નોંધાયો!