ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં મેઘરાજાએ મધ્યરાત્રિએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. મહેસાણાના કડી પંથકમાં રાત્રિ દરમિયાન એવો ધોધમાર વરસાદ ખાબક્યો કે સમગ્ર પંથક પાણી-પાણી થઈ ગયો છે. કડીમાં રાત્રે 2 થી 4 વાગ્યાના માત્ર બે જ કલાકના ટૂંકા સમયગાળામાં 225 મીમી એટલે કે અંદાજે 9 ઇંચ જેટલો મુશળધાર વરસાદ ઝીંકાતા આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. અચાનક તૂટી પડેલા આ પ્રચંડ વરસાદને કારણે સ્થાનિક લોકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી.
નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો નદીઓમાં ફેરવાઈ ગયા
માત્ર બે કલાકમાં 9 ઇંચ વરસાદ ખાબકવાને કારણે કડી શહેરના નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો નદીઓમાં ફેરવાઈ ગયા હતા. ખાસ કરીને કડીના કરણનગર રોડ પર અને આસપાસની રહેણાંક સોસાયટીઓમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. સોસાયટીઓમાં પાણી ભરાવાના કારણે પાર્ક કરેલા વાહનો ડૂબી ગયા હતા અને રાત્રિના સમયે જ લોકોના ઘરોમાં પાણી ઘૂસવાની શરૂઆત થઈ ગઈ હતી, જેના લીધે સ્થાનિકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.
